લંડનઃ યુકેમાં લગભગ 40 વર્ષના ગાળા પછી સૌપ્રથમ વખત પેરાલિસિસ લાવતા પોલિયો વાઈરસે ફરી પગપેસારો કર્યો હોવાનું જણાતા આરોગ્ય સત્તાવાળાઓ ચિંતામાં આવી ગયા છે અને બાળકોને સમયસર વેક્સિન અપાવવા અનુરોધ કર્યો છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)એ જણાવ્યા મુજબ ફેબ્રુઆરી અને મે મહિનામાં લંડનની ગટરમાંથી લેવાયેલાં સેમ્પલમાં પોલિયો વાઇરસ મળી આવ્યા હતા જેની ઓળખ વેક્સિન ડિરાઈવ્ડ પોલિયોવાઇરસ ટાઇપ 2 (VDPV2) તરીકે કરવામાં આવી છે. જોકે, આ વાઈરસ કેટલો ફેલાયો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
બ્રિટનમાં 1984 પછી પોલિયો વાઇરસ મળી આવતા ચિંતા ફેલાઈ છે કારણકે 2003માં બ્રિટન પોલિયો મુક્ત જાહેર કરાયું હતું. લંડન વિસ્તાર અત્યાર સુધી પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના વિસ્તારો સુધી સીમિત રહેલા વાઈરલ રોગ મન્કીપોક્સ રોગચાળાનો સામનો કરી રહ્યું છે ત્યારે ન્યૂહામના લંડન બેક્ટન સ્યૂએજ ટ્રીટમેન્ટ વર્ક્સ ખાતેથી VDPV2 મળી આવેલ છે. કોરોના મહામારીમાં સ્કૂલ ઈમ્યુનાઈઝેશન સ્કીન્સ ખોરવાઈ ગઈ હોવાથી બાળકોના વેક્સિનેશન્સની ચોકસાઈ કરી લેવા લોકોને જણાવાયું છે. તમામ બ્રિટિશ બાળકોને નાનપણમાં જ ત્રણમાંથી પ્રથમ પોલિયો વેક્સિન આપી દેવાય છે પરંતુ, બાકીના દેશની સરખામણીએ લંડન આ બાબતે પાછળ છે.
UKHSAએ જણાવ્યા મુજબ દેખા દીધેલાં VDPV2થી અસામાન્ય સ્થિતિમાં પેરાલિસિસ જેવી ગંભીર બિમારી થાય છે. સંપૂર્ણ વેક્સિનેટેડ ન હોય તેવા લોકો તેમજ બાળકોને આ પ્રકારની બિમારીનું જોખમ વધુ રહે છે. પોલિયો વાઈરસ ઉધરસ અને છીંક તથા મળથી દૂષિત પદાર્થો સાથેના સંપર્ક થકી ફેલાય છે અને આશરે 100માંથી એક કિસ્સામાં પેરાલિસિસ લાવે છે જેમાં બાળકોને વધુ જોખમ રહે છે. મોટા ભાગના લોકોને ચેપના લક્ષણો જણાતા નથી પરંતુ, 20માંથી એક વ્યક્તિને તાવ, સ્નાયુમાં નબળાઈ, માથાનો દુઃખાવો, બેચેની અને ઉલટી જેવા સામાન્ય લક્ષણ જણાય છે.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો બાળકોને પોલિયો વાઈરસથી પેરાલિસિસ થતો હતો અને 1940 અને 1950ના દાયકામાં તેમને શ્વાસ લેવામાં મદદ મળે તે માટે ‘iron lungs’ તરીકે ઓળખાતા વિશાળ અને ખર્ચાળ મશીન્સ સાથે લગાવાતા હતા.


