બ્રિટનમાં પ્રચંડ હીટવેવ બાદ થંડરસ્ટોર્મનો આતંક

ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડના સંખ્યાબંધ વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ ઝિંકાયો, ફ્લેશ ફ્લડના કારણે સંખ્યાબંધ વિસ્તારો જળબંબાકાર, સડક અને રેલ વ્યવહાર પર વિપરિત અસર

Wednesday 17th August 2022 05:16 EDT
 
 

લંડન

ઇઁગ્લેન્ડ અને યોર્કશાયર સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં દુકાળની સત્તાવાર જાહેરાત કરાયા બાદ પ્રચંડ હીટવેવથી ત્રાહિમામ પોકારી રહેલા બ્રિટનમાં સોમવારથી તોફાની પવનો સાથે ભારે વરસાદનો પ્રારંભ થયો હતો. આઠ દિવસના હીટવેવનો મંગળવારે અંત આવ્યો હતો અને ભારે વરસાદના પગલે તાપમાનમાં નાટકીય ઘટાડો થતાં લોકોને રાહત મળી હતી. મંગળવારે બ્રિટનના સંખ્યાબંધ હિસ્સાઓમાં વરસાદી તોફાનોના કારણે આવેલા અચાનક પૂરથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યાં હતાં. સ્કોટલેન્ડના કેટલાક વિસ્તારોમાં એક સપ્તાહનો વરસાદ ફક્ત 24 કલાકમાં નોંધાયો હતો. ઇસ્ટ ઇંગ્લેન્ડના હંટિંગડન અને થ્રેપ્સ્ટનમાં ભારે વરસાદ નોંધાયો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રણ કલાકથી ઓછાં સમયમાં ગાજવીજ સાથેના 2 ઈંચ જેટલા વરસાદથી શેરીઓમાં તત્કાળ પૂરની અસરથી નદીઓ વહેતી જોવા મળી હતી. જોકે, આ વરસાદથી દુકાળની પરિસ્તિતિમાં કોઈ ફેર પડશે નહિ.
ગ્રામીણ વિસ્તારોમાં ભારે કિચડના કારણે માર્ગો પર અવરોધો સર્જાયા હતા. 

બ્રિટનની પર્યાવરણ એજન્સીએ ઇંગ્લેન્ડ માટે મંગળવારે 10 ફ્લડ એલર્ટ જારી કર્યાં હતાં જેમાં નોરફ્લોક, ડર્બીશાયર, નોટ્ટિંગહામશાયર અને લેસ્ટરશાયર વિસ્તારોનો સમાવેશ થતો હતો. સ્કોટિશ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી દ્વારા એબરડીનશાયર, સ્કાયે અને સ્કોટિશ બોર્ડરના વિસ્તારો માટે 16 ફ્લડ એલર્ટ જારી કરાયા હતા. એજન્સીએ સાઉથ લંડન અને સરેમાં પણ ફ્લડ એલર્ટ જારી કર્યા હતા.

અતિભારે વરસાદના કારણે સંખ્યાબંધ વિસ્તારોમાં સડકો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઇ જવાની સંભાવનાને  કારણે લોકોને જરૂરી અને મૂલ્યવાન વસ્તુઓ પેક કરીને સ્થળાંતર માટે તૈયાર રહેવાની ચેતવણી જારી કરાઇ હતી. ફાયર બ્રિગેડે બેઝમેન્ટ ફલેટ્સમાં રહેતા લોકોને ફ્લડ કિટ તૈયાર રાખવા જણાવ્યું હતું.

સોમવારે અતિભારે વરસાદ અને મડ સ્લાઇડના કારણે સમરસેટમાં એ358ને બંધ કરી દેવાયો હતો. સોમવારે ભારે વરસાદના કારણએ કોર્નવોલ અને ડિવોન વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયાં હતાં. એસેક્સ, સફોક અને લિંકનશાયરમાં પણ તોફાની પવનો સાથે વરસાદ ઝીંકાયો હતો. સ્કોટલેન્ડમાં અતિભારે વરસાદના કારણે સડક અને રેલવે વ્યવહારો ખોરવાઇ ગયાં હતાં. સંખ્યાબંધ ટ્રેનો વિલંબથી દોડી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter