લંડનઃ બ્રિટનમાં બીજી મેના રોજ સંસદની ચૂંટણી યોજાઇ શકે તેવી અટકળો પર વડાપ્રધાન રિશી સુનાકે પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સંકેત આપ્યો છે કે સંસદની ચૂંટણી વર્ષના અંત ભાગમાં યોજાઇ શકે છે. એક મીડિયા મુલાકાતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, થોડા જ સપ્તાહોમાં બીજી મેના રોજ બ્રિટનમાં સ્થાનિક મુદ્દા, પોલીસ અને ક્રાઇમ કમિશ્નર તથા મેયરની ચૂંટણી યોજાવાની છે. બીજી મેના રોજ સંસદની ચૂંટણી યોજાશે નહીં.
વડાપ્રધાન સુનાક વારંવાર કહી ચૂક્યા છે કે સંસદની ચૂંટણી 2024ના ઉત્તરાર્ધમાં યોજાઇ શકે છે. સુનાકના સહયોગીઓ પણ ઓટમમાં સંસદની ચૂંટણી યોજવાની ચકાસણી કરી રહ્યાં છે. હાલમાં સુનાકની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી મુખ્ય વિપક્ષ લેબર પાર્ટી કરતાં લોકપ્રિયતાના મામલે 20 પોઇન્ટ પાછળ ચાલી રહી છે.