બ્રિટનમાં બેન્કોની અડધોઅડધ શાખાઓ બંધ થઈ જવાનું જોખમ

Wednesday 29th August 2018 03:24 EDT
 
 

લંડનઃ આગામી ૫થી ૧૦ વર્ષના ગાળામાં યુકેની ૭,૦૦૦માંથી ૩,૫૦૦ બેન્કશાખા બંધ થઈ જવાનું જોખમ હોવાની ચેતવણી બાર્કલેઝના પૂર્વ વડા એન્થની જેન્કિન્સે આપી છે. વધુ અને વધુ લોકો ઓનલાઈન વ્યવહાર કરી રહ્યા છે તેમજ ઓફિસના કામકાજ ઓટોમેટેડ થઈ રહ્યા હોવાથી હજારો નોકરીઓ પર કાતર ફેરવાઈ રહી છે. બીજી તરફ, બેન્કોના ફ્રી-ટુ-યુઝ કેશ મશીન્સ પણ બંધ કરાઈ રહ્યા છે.

અત્યારે લોઈડ્ઝ, રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ, બાર્કલેઝ, HSBC, TSB, સેન્ટેન્ડર અને નેશનવાઈડ બિલ્ડિંગ સોસાયટી સહિત દેશની સૌથી મોટી રીટેઈલ બેન્ક્સ આશરે ૭,૦૦૦ શાખાઓનું સંચાલન કરે છે. કન્ઝ્યુમર જૂથ Which? દ્વારા કહેવાયું છે કે બેન્કોએ ગત ત્રણ વર્ષમાં જ લગભગ ૩,૦૦૦ એટલે કે દર મહિને ૬૦ શાખા બંધ કરી દીધી છે. આની અસર દુકાનદારો અને સામાન્ય લોકો પર મોટા પ્રમાણમાં થશે. એન્થની જેન્કિન્સે બીબીસી રેડિયો ૪ કાર્યક્રમને જણાવ્યું હતું કે બેન્કિંગ ઉદ્યોગમાં કસ્ટમર સર્વિસ, મિડલ મેનેજર્સ અને વહીવટી ભૂમિકા સાથેની નોકરીઓનો મોટો હિસ્સો બંધ થઈ જશે.

ચાર મોટી બેન્ક બાર્કલેઝ, HSBC, RBS અને લોઈડ્ઝ દ્વારા જણાવાયું હતું કે તેઓ હાલ યુકેમાં કુલ ૪,૫૦૦ શાખાઓ ચલાવે છે. ગત દસકામાં તેમણે લગભગ ૪,૦૦૦ શાખા બંધ કરી છે, જેમાં RBSની આશરે ૧,૩૮૦, લોઈડ્સ ૧૨૦૦, HSBC ૮૦૦ અને બાર્કલેઝની ૫૦૦નો સમાવેશ થાય છે. બેન્કોનું પ્રતિનિધિત્વ કરતી યુકે ફાઈનાન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આખરી પગલાં તરીકે જ શાખાઓ બંધ કરાય છે. તમામ મુખ્ય બેન્કો પોસ્ટ ઓફિસની ૧૧,૫૦૦ શાખા મારફત રોજબરોજની બેન્કિંગ સેવા ઓફર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter