બ્રિટનમાં ભયાનક દુકાળના ડાકલાં, તમામ જળાશયોમાં પાણીના સ્તર 1976ના દુકાળ કરતાં પણ નીચાં પહોંચી ગયાં

ખેડૂતો પર સિંચાઇ પ્રતિબંધની નોબત, શાળાઓ અને કચેરીઓ બંધ કરવાની નોબત આવી શકે છે

Wednesday 27th July 2022 06:03 EDT
 
 

લંડન

ઇટાલી બાદ હવે બ્રિટનમાં પણ દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા છે. જુલાઇ મહિનામાં બ્રિટનમાં તાપમાને ઐતિહાસિક સપાટી વટાવ્યા બાદ સૂકા હવામાનના કારણે હવે સમગ્ર બ્રિટનમાં વાઇલ્ડ ફાયર વ્યાપક બની રહી છે ત્યારે દેશના અનેક હિસ્સા સત્તાવાર દુકાળ તરફ આગળ વધી રહ્યાં છે. દુકાળના કારણે ફરી એકવાર શાળાઓ બંધ કરવાની નોબત આવી શકે છે, ખેડૂતો પર સિંચાઇના પાણીનો પ્રતિબંધ પણ લદાઇ શકે છે. ઇંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમય સુધી સૂકું હવામાન રહે તેવી આગાહી કરાઇ છે. આ દુકાળ જાહેર કરાયા પહેલાની સ્થિતિ છે. જેના કારણે વોટર કંપનીઓને હોસપાઇપ બાન જેવી સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

જો આ પ્રકારનું જ ગરમ વાતાવરણ રહેશે તો ઇંગ્લેન્ડમાં ઓગસ્ટ મહિનામાં દુકાળની સ્થિતિ સર્જાઇ શકે છે. પરિસ્થિતિને પહોંચી વળવા અને પાણીના પૂરવઠાને જાળવી રાખવા માટે કેવા પ્રકારના નિયંત્રણો લાદવા તે અંગેની ચર્ચા નેશનલ ડ્રોફ્ટ ગ્રુપમાં ચાલી રહી છે. આ ગ્રુપમાં પર્યાવરણ વિભાગ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ ડિપાર્ટમેન્ટ, વોટર કંપનીઓ, નેશનલ ફાર્મર્સ યુનિયન અને કન્ટ્રી લેન્ડ એન્ડ બિઝનેસ એસોસિએશનના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. અધિકારીઓ હવે ચેતવણી આપી રહ્યાં છે કે ઓગસ્ટ મહિનામાં પણ ગરમી જારી રહેશે તો ઇંગ્લેન્ડમાં 1976 પછીનો સૌથી ભયાનક દુકાળ પડવાની સંભાવના છે. જેના પગલે દેશભરમાં હોસપાઇપ પ્રતિબંધ લગાઇ શકે છે.

અતિ ભયાનક ગરમી અને વરસાદ ખેંચાઇ જવાના કારણે દેશભરના જળાશયો સૂકાઇ રહ્યાં છે. હાલ દેશ પ્રોલોન્ગ્ડ ડ્રાય વેધર સ્ટેટસમાંથી પસાર થઇ રહ્યો છે. જે દુકાળની સ્થિતિનું પ્રથમ પગથિયું છે. જેના પગલે દેશભરમાં પાણીની તંગી સર્જાઇ શકે છે. 1976માં બ્રિટનમાં મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું ત્યારબાદ મોટાભાગની નદીઓ સૂકાઇ ગઇ હતી. સત્તાવાર અહેવાલો પ્રમાણે મોટાભાગની નદીઓમાં પાણીના સ્તર અત્યારે 1976 કરતાં પણ નીચી સપાટી પર પહોંચી ગયાં છે.

એક મોટી વોટર કંપનીએ ચેતવણી આપી છે કે સરકારે દુકાળની જાહેરાત કરી દેવી જોઇએ. જો સ્થિતિ વધુ વણસશે તો સરકારને શાળાઓ બંધ કરવાની નોબત આવી શકે છે. બીજીતરફ ટીકાકારો કહે છે કે વોટર કંપનીઓએ તાત્કાલિક તેમની લીક થઇ રહેલી પાઇપલાઇનોની મરામત કરવી જોઇએ જેથી પરિવારોને પાણીના કાપનો સામનો કરવો પડે નહીં.

નામ નહીં આપવાની શરતે હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 1976 કરતાં પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. નિષ્ણાતો પણ ચેતવણી આપી રહ્યાં છે કે નદીઓ, તળાવો અને જળાશયોની પાણીની સપાટીમાં નાટકિય ઘટાડો જોવા મળશે અને નદીઓમાં પાણી સૂકાઇ જવાની પણ નોબત આવી શકે છે. સેન્ટર ફોર ઇકોલોજી અને હાઇડ્રોલોજીએ જણાવ્યું છે કે ડિવોનમાં ટાવ અને યોર્કશાયરમાં ઔસ નદીના સ્તર 1976ના દુકાળ કરતાં પણ નીચી સપાટી પર પહોંચી ગયાં છે.

 વોટર કંપનીઓ પાણી પર રેશનિંગ દાખલ કરી શકે છે..

બ્રિટિશ કાયદા અનુસાર અસામાન્ય સંજોગોમાં વોટર કંપનીઓએ દુકાળનો પ્લાન ફરજિયાત જાહેર કરવાનો હોય છે. જેના પગલે તેઓ ઘરો પર પાણીનું રેશનિંગ દાખલ કરી શકે છે. જો વોટર કંપનીઓના દુકાળ પ્લાનનો અમલ શરૂ કરાય તો કોરોના મહામારીની જેમ શાળા અને કચેરીઓ બંધ કરવાની ફરજ પડી શકે છે. વોટર કંપનીઓના આંકડા અનુસાર બ્રિટનમાં પાઇપલાઇન લીકેજના કારણે દરરોજ 660 મિલિયન ગેલન પાણીનો બગાડ થાય છે.

દુકાળની સ્થિતિ છતાં મંત્રીઓ ક્યાંય નજરે પડતાં નથી

લિબરલ ડેમોક્રેટ એન્વાયરમેન્ટ એન્ડ રૂરલ અફેર્સના પ્રવક્તા ટીમ ફેર્રોને જણાવ્યું હતું કે, 1976 પછીના સૌથી ભયાનક દુકાળનો બ્રિટન સામનો કરી રહ્યો છે. પરંતુ સરકારના મંત્રીઓ ક્યાંય નજરે પડ઼ી રહ્યાં નથી. સરકારે તાત્કાલિક વોટર કંપનીઓને તેડાવીને લીક થઇ રહેલી પાઇપલાઇનોની મરામતનો આદેશ આપવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter