લંડન, નવી દિલ્હીઃ બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કીલ્સ સાજિદ જાવિદે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનમાં ભારત સહિત કોઈ પણ દેશના વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ મર્યાદા લગાવાઈ નથી અને તેમને ઉષ્માપૂર્ણ આવકાર મળશે.
જાવિદે નવી દિલ્હીમાં ઈન્ડિયા-યુકે બિઝનેસ કન્વેન્શન ૨૦૧૫ દરમિયાન યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓ આવકાર્ય નહિ હોવાના ખ્યાલને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ‘ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ કરવા આવવાની અરજી કરી શકે છે. અમારા નિયમો સ્પષ્ટ છે કે તમે એક વખત યુકેથી ગ્રેજ્યુએટ થાવ તે પછી ગ્રેજ્યુએટ લેવલની જોબ હોય તેમાં નોકરી કરી શકો અને રહી શકો છો.’ તેમણે કહ્યું હતું કે બ્રિટિશ યુનિવર્સિટીઓ અને કોલેજો ભારતીય વિદ્યાર્થીઓને આમંત્રી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશી શિક્ષણસ્થળોમાં યુકે પ્રથમ પસંદગી છે. જોકે, કડક વિઝા નિયમોના કારણે ત્યાં જતા વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થયો છે.