બ્રિટનમાં મકાન ભાડાં બેફામ બન્યાં, આ વર્ષમાં 13 ટકા વધારો થવાનો અંદાજ

પ્રાઇવેટ રેન્ટ પર બે વર્ષ સુધી મર્યાદા લાદવા લંડનના મેયરની માગ

Wednesday 18th January 2023 06:43 EST
 
 

લંડન

બ્રિટનમાં મકાનના ભાડાં નિયંત્રણ બહાર જઇ રહ્યાં છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પરેશાન લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે તેમને મકાનના ભાડાં જરાપણ પોસાય તેવા રહ્યાં નથી. અમે આ દેશમાં મકાન ભાડાંની કટોકટીનો સામનો કરી રહ્યાં છીએ અને સરકાર આ સમસ્યા સામે આંખ આડા કાન કરી રહી છે. ખાદ્યપદાર્થોનો ફુગાવો અને વધી રહેલા વીજળીના બિલ બાદ હવે મકાન ભાડાં પણ ભારે ફટકો મારી રહ્યાં છે.

બ્રિટનમાં લાખો લોકો ભાડાંના મકાનમાં રહે છે અને પ્રાઇવેટ લેન્ડલોર્ડ દ્વારા ભાડે અપાતા મકાનના ભાડાં છેલ્લા 7 વર્ષની સૌથી વધુ ઝડપે વધી રહ્યાં છે. 2022માં મકાનભાડાંમાં 4 ટકાનો વધારો થયો હતો. ભાડુઆતો તેમના સાપ્તાહિક ખર્ચની 24 ટકા રકમ અત્યારે મકાન ભાડા પેટે ચૂકવી રહ્યાં છે. મકાનના દલાલોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ સુધીમાં મકાન ભાડામાં સરેરાશ 13 ટકાનો વધારો થશે. આ સમસ્યા હાઉસિંગની અછતના કારણે સર્જાઇ રહી છે.

તાજેતરના વર્ષોમાં મકાનની માલિકીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તેના કારણે પણ મકાન ભાડાં ઊંચા ગયાં છે. કાઉન્સિલો તેમના તરફથી પૂરતા પ્રયાસો કરી રહી છે પરંતુ ખરીદદારોના માર્કેટ દ્વારા મકાનની અછત સર્જાઇ છે.

લંડનના મેયર સાદિક ખાને સરકારને પ્રાઇવેટ સેક્ટરમાં બે વર્ષ માટે ભાડાની મર્યાદા લાગુ કરવાની માગ કરી છે. તેઓ લંડનમાં ભાડા પર મર્યાદા લાદવાની સત્તા આપવા માટે સરકારને અવારનવાર અપીલ કરી ચૂક્યા છે.

જાન્યુઆરીમાં મકાનોની કિંમતોનો હાઇ જમ્પ, ભાવમાં 1 ટકાનો વધારો

કોરોના મહામારી બાદ પહેલીવાર જાન્યુઆરીમાં મકાનોની કિંમતમાં 1 ટકા જેટલો મોટો વધારો નોંધાયો છે. ડિસેમ્બરની સરખામણીએ સરેરાશ મકાનની કિંમત જાન્યુઆરીમાં 3301 પાઉન્ડ વધીને 3,62,438 પાઉન્ડ પર પહોંચી ગઇ છે. જોકે હજુ સરેરાશ કિંમતો ઓક્ટોબર 2022ની ટોચની સપાટી કરતાં 8720 પાઉન્ડ ઓછી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter