લંડનઃ બ્રિટનમાં મતદાન માટેની વયમર્યાદા ઘટાડીને 16 વર્ષ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે. તેના પગલે આગામી સંસદની ચૂંટણીમાં 1.5 મિલિયન કરતાં વધુ સગીરોને પણ મતાધિકાર પ્રાપ્ત થશે. સરકાર આ માટે નવા ઇલેક્શન બિલ લાવવાની તૈયારી કરી રહી છે. 1969 પછીનો આ સૌથી મોટો ચૂંટણી સુધારો હશે. 1969માં મતદાન માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરાઇ હતી. વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે આગામી ચૂંટણીમાં 16 અને 17 વર્ષના સગીરોને મતદાન કરવા પ્રોત્સાહન આપ્યું છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, આ સુધારાથી યુવા પેઢીને પણ દેશનું ભાવિ નક્કી કરવાની તક મળશે.
ડેપ્યુટી પ્રાઇમ મિનિસિટર એન્જેલા રાયનરે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી જનતાનો લોકશાહી પરનો વિશ્વાસ ઘટ્યો છે અને આપણા સંસ્થાનો પરના ભરોસાને નુકસાન થયું છે. અમે અવરોધઓ દૂર કરી રહ્યાં છીએ જેથી વધુ લોકોને દેશની લોકશાહીના ભાગીદાર બનાવી શકાશે. અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં 16 વર્ષના યુવાઓને મતાધિકારનું વચન આપ્યું હતું. તેઓ પણ કામ કરે છે, ટેક્સ ચૂકવે છે અને સેનામાં પણ સેવાઓ આપે છે. ડેમોક્રેસી મિનિસ્ટર રૂશાનારા અલીએ જણાવ્યું હતું કે, આ પગલાંથી યુકેની લોકશાહીમાં જાહેર જનતાના વિશ્વાસમાં વધારો થશે.
જોકે અન્ય રાજકીય પાર્ટીઓએ વડાપ્રધાન સ્ટાર્મર પર ભવિષ્યની ચૂંટણીઓમાં ઘાલમેલના પ્રયાસનો આરોપ મૂક્યો છે. જોકે રાજકીય નિષ્ણાતો કહે છે કે આ નિર્ણયથી ચૂંટણી પરિણામો પર નજીવી અસર જોવા મળશે. એક સરવે પ્રમાણે 16થી 17 વર્ષના 50 ટકા સગીરો માને છે કે તેમને મતાધિકાર આપવો જોઇએ નહીં.