લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની માઈગ્રન્ટ્સ પોઈન્ટ સિસ્ટમ અપનાવવાની દરખાસ્ત ફગાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે આ માઈગ્રેશન કન્ટ્રોલ પદ્ધતિ કામમાં આવ હોવાનું તેઓ માનતા નથી. હકીકત એ છે કે ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનની આગેવાની હેઠળ બ્રેક્ઝિટ અભિયાનમાં પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ માટે ખાતરી અપાઈ હતી.
દરમિયાન, વડા પ્રધાન ઈયુ માઇગ્રન્ટ્સ પાસે નોકરી ન હોય ત્યાં સુધી બ્રિટનમાં આવી શકે નહીં. તેવો પ્રતિબંધ લાદવાનું વિચારી રહ્યાં છે. ઈમિગ્રેશન મુદ્દે તેમનું વલણ હળવું થયાનો ઈનકાર કરતાં તેમણે આમ જણાવ્યું હતું બ્રેકઝિટ પછી પણ મુક્ત અવર જવરના નિયમોમાં બ્રિટનને થોડોક જ અંકુશ પ્રાપ્ત થશે. તેવું સ્વીકારવા સાથે થેરેસા મે ઈયુ નાગરિકો માટે કડક વર્ક પરમીટ સિસ્ટમ લાવવાની યોજના ઘડી રહ્યાં છે.
ફોરેન સેક્રેટરીને ઉતારી પાડતા વડા પ્રધાન મેએ કહ્યું હતું કે ઈયુમાંથી માઈગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો કોઈ રામબાણ ઈલાજ નથી. તેમણે માઈગ્રન્ટ્સ પોઈન્ટ સિસ્ટમની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી સિસ્ટમનો દુરપયોગ થઈ શકે છે. અને જો માઈગ્રન્ટ પાસે પૂરતા પોઈન્ટ થાય તો તેમને બ્રિટનમાં પ્રવેશવાનો અધિકાર મળી જશે. તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પદ્ધતિ કામ કે તેવી ન હોવાથી બ્રેક્ઝિટ પછી તેને લાગુ નહિ કરાય. રેફરન્ડમ પ્રચારમાં ‘વોટ લીવ’ છાવણીએ પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમને મોટો મુદ્દો બનાવ્યો હતો. વર્તમાન કેબિનેટ મિનિસ્ટર્સ જ્હોન્સન, પ્રીતિ પટેલ, પૂર્વ મિનિસ્ટરો ઈયાન ડંકન સ્મિથ, થેરેસા વિલિયર્સ અને પૂર્વ જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવે તેની મજબૂત તરફેણ કરી હતી.
જી-૨૦ બેઠક માટે ચીન રવાના થતાં અગાઉ વડા પ્રધાન મેએ બ્રેક્ઝિટનો અર્થ ઈયુ બજેટમાં તમામ ફાળાનો સંપૂર્ણ અંત આવશે તે વિશે કશું કહેવા ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રસેલ્સ સાથે વાતચીત અગાઉ તેઓ પોતાની યોજના જાહેર કરવા ઈચ્છતાં નથી. બ્રેક્ઝિટથી NHSને સાપ્તાહિક ૧૦૦ મિલિયનનું ભંડોળ વધારવા વિશે કે ફ્યુલ પર VAT દૂર કરવા સંબંધે પણ પ્રશ્નોના ઉત્તરો ટાળ્યાં હતાં.


