લંડન
યુકેના ફેઇથ એડવાઇઝર કોલિન બ્લૂમે બ્રિટનમાં ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા શિખ સમુદાય ફેલાવાતા ભય તરફ અંગૂલિનિર્દેશ કર્યો છે. બ્લૂમે ખાલિસ્તાનના સમર્થકો દ્વારા કરાતી વિભાજનવાદી પ્રવૃત્તિઓ સહિત બ્રિટનના શિખ સમુદાયોના નાના હિસ્સા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પોતાના રિપોર્ટમાં બ્લૂમે યુકેમાં પોતાને શિખ સંગઠન તરીકે માન્યતા અને સરકારી સ્તરે પ્રતિનિધિત્વ મુદ્દે શિખ સમુદાયોમાં ચાલી રહેલા સત્તાસંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો છે. રિપોર્ટમાં શિખ અલગતાવાદીઓ દ્વારા બ્રિટિશ શિખ સમુદાયોમાં ઊભા કરાયેલા વિભાજનની પણ નોંધ લેવાઇ છે.
બ્લૂમે રિપોર્ટમાં જણાવ્યું છે કે ખાલિસ્તાન સમર્થકો પોતાને મુખ્ય ધારાના શિખ સમુદાય સાથે સંકળાયેલા રાખે છે પરંતુ તેમની પદ્ધતિઓ અને કામ કરવાની રીતો શિખ આસ્થાના પાયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. બ્રિટિશ શિખ સમુદાયના કેટલાક આગેવાનોએ સરકારને ચેતવણી આપી છે કે જો સરકાર મુખ્ય પ્રવાહના શિખ સમુદાયોમાંના કેટલાક તત્વોના કટ્ટરવાદી એજન્ડાઓને પારખશે નહીં તો એમ મનાશે કે યુકે ધાર્મિક કટ્ટરવાદ તરફ આંખ આડા કાન કરી રહ્યો છે.
બ્લૂમે તેમના રિપોર્ટમાં એવા પુરાવા રજૂ કર્યા છે કે ખાલિસ્તાની તત્વો તેમની સાથે સંમત ન થતા શિખોને ખુલ્લેઆમ ડરાવે-ધમકાવે છે. શિખો ખાલિસ્તાન સમર્થકોના કટ્ટરવાદ સામે ખુલીને બોલી શક્તાં નથી. રિપોર્ટમાં વિશેષ નોંધ કરાઇ છે કે ખાલિસ્તાન સમર્થકો અલગ શિખ દેશ માટે પાકિસ્તાનમાં આવેલા પંજાબના પ્રદેશો પર દાવો કરતા નથી. તેમના ઇરાદા ધર્મ આધારિત છે કે નહીં તે સ્પષ્ટ થતું નથી.
બ્લૂમ કહે છે કે શિખ સમુદાયમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓની સંખ્યા બહુ ઓછી છે. તેઓ કૃત્રિમ રીતે પોતાનો પ્રભાવ ઊભો કરે છે અને રાજકિય સંસ્થાઓમાં શિખ લેબલનો ઉપયોગ કરવા ગતકડાં કરે છે. ખાલિસ્તાની અલગતાવાદીઓ મુસ્લિમો, હિન્દુ અને તેમની સાથે સંમત ન થતા શિખો વિરુદ્ધ હિંસા અને ધિક્કાર માટે ઉશ્કેરણી કરતા રહે છે.


