લંડનઃ યુકેમાં યોજાયેલી સંસદની ચૂંટણીમાં એક આઘાતજનક વલણ જોવા મળ્યું છે. આમ તો ચૂંટણીના પરિણામ કન્ઝર્વેટિવ પાર્ટી વિરુદ્ધનો જનમત ગણાય છે પરંતુ મુસ્લિમોએ આ વખતની ચૂંટણીમાં એક રાજકીય પાર્ટી તરીકેનું વલણ અખત્યાર કર્યું છે. આવું બ્રિટિશ લોકશાહીના ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી.
આ વખતની ચૂંટણીમાં બ્રિટિશ મુસ્લિમ મતદારોએ 2000 માઇલ દૂર ચાલી રહેલા એક યુદ્ધના આધારે કરાતી રાજનીતિની તરફેણમાં સામુહિક રીતે મતદાન કર્યું છે. આ વખતની ચૂંટણીમાં મુસ્લિમ મતદારો માટે જાણે કે ગાઝા સિવાય અન્ય કોઇ મુદ્દો જ નહોતો. મુસ્લિમોએ ધાર્મિક અને વંશીય હિતોને ધ્યાનમાં રાખીને જ મતદાન કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
પૂર્વ લેબર નેતા જેરેમી કોર્બિન ઇસલિંગટન નોર્થ બેઠક પર વિજયી થયા છે. આ વિસ્તારની 13 ટકા વસતી મુસ્લિમ છે અને કોર્બિનનો ચૂંટણી પ્રચાર મુખ્યત્વે ગાઝાના સમર્થન પર કેન્દ્રિત રહ્યો હતો. તેમની સાથે ઘણા પૂર્વ લેબર સમર્થકો પણ જોડાયાં હતાં પરંતુ ગાઝામાં ચાલી રહેલા નરસંહાર પરના મંતવ્યે તેમને વિજેતા બનાવ્યા છે તેમ તેમનું પણ માનવું છે.
ડ્યુસબરી એન્ડ બેટલીમાંથી જીતેલા અપક્ષ ઉમેદવાર ઇકબાલ મોહમ્મદને પણ મુસ્લિમ મતદારોનો પ્રચંડ સાથ મળ્યો હતો. એક અખબારી અહેવાલ પ્રમાણે 2021ની વસતી ગણતરી મુજબ ઓછામાં ઓછી 40 ટકા મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તારોમાં લેબર મતની ટકાવારીમાં 33.9 ટકાનો ઘટાડો થયો છે. આ વિસ્તારો મુખ્યત્વે બર્મિંગહામ, બ્રાડફોર્ડ અને લંડનમાં આવેલાં છે. 10થી 20 ટકા મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તારોમાં લેબરની ટકાવારી 6.8 ટકા ઘટી હતી જ્યારે 10 ટકા કરતાં ઓછી મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તારોમં લેબરને મળેલા મતોમાં 3.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
યુકેમાં સક્રિય મુસ્લિમ સંગઠનોની એકછત્રી સંસ્થા ધ મુસ્લિમ વોટ દ્વારા એક વેબસાઇટનું સંચાલન કરવામાં આવે છે જેના દ્વારા મુસ્લિમોએ કોને મત આપવા તેના નિર્દેશ પણ અપાતાં હોય છે. આ સંસ્થાએ જણાવ્યું હતું કે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં અમારા સમુદાયના બીજ વવાઇ ચૂક્યાં છે. તેનો અર્થ એ થયો કે યુકેમાં આગામી સમયમાં સંપ્રદાયવાદ વધુ પ્રભાવી બનશે.
રિફોર્મ યુકેના અધ્યક્ષપદે મુસ્લિમની નિયુક્તિથી પાર્ટીમાં ચણભણાટ
રિફોર્મ પાર્ટીના અધ્યક્ષ તરીકે મુસ્લિમની નિયુક્ત કરાતાં પાર્ટીમાં ચણભણાટ શરૂ થયો છે. રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે પાર્ટીને અઢળક ડોનેશન આપનાર મલ્ટી મિલિયોનર ઝિયા યુસુફને પાર્ટીના અધ્યક્ષપદે નિયુક્ત કર્યાં છે. જોકે આ નિયુક્તિના કારણે પાર્ટીના ઘણા નેતા નારાજ છે. પાર્ટીના ઉપાધ્યક્ષપદેથી બેન હબીબને હટાવે રિચર્ડ ટાઇસની નિયુક્ત કરાઇ છે. ટાઇસ પણ યુસુફની નિયુક્તિથી ખુશ નથી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, હું પાર્ટીના નિયંત્રણ અને નિર્ણયાક પ્રક્રિયા અંગે ઘણા લાંબા સમયથી ચિંતિત છું. રિફોર્મ યુકેની તરફેણમાં મતદાન કરનારા સંખ્યાબંધ મતદારોએ પણ આ પસંદગી સામે નારાજગી વ્યક્ત કરી હતી.


