લંડન
બ્રિટનમાં મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચે એટલે કે 9.4 ટકા પર પહોંચી ગયો છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ફુગાવાનો દર 9.4 ટકા નોંધાયો જે મે મહિનામાં 9.1 ટકા હતો. જૂનમાં પેટ્રોલની કિંમતમાં 18.1 પેન્સ પ્રતિ લિટરનો વધારો નોંધાયો હતો જ્યારે જીવનજરૂરિયાતની દૂધ, ચીઝ અને ઇંડા જેવી વસ્તુઓના ભાવ પણ વધી ગયાં હતાં. મોંઘવારીના કારણે ઘણા પરિવારોના બજેટ ડામાડોળ થયાં છે ત્યારે કામદાર યુનિયનો દ્વારા પગાર વધારાની માગ થઇ રહી છે. મે 2020માં જીવનજરૂરી વસ્તુઓનો કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ 0 થી 1 ટકાની વચ્ચે હતો જે છેલ્લા બે વર્ષમાં વધીને 9.4 ટકા પર પહોંચી ગયો છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યુરોપિયન સંઘે રશિયન ક્રુડ પરનો આધાર ઓછો કરતાં તાજેતરના મહિનાઓમાં ઇંધણોની કિંમતમાં તોતિંગ વધારો થયો છે. જૂનમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 184 પેન્સ પર પહોંચી જ્યારે ડિઝલની કિંમત 192.4પેન્સ પ્રતિ લિટરને આંબી ગઇ હતી. જે વિક્રમજનક સપાટી છે. જેના કારણે સરેરાશ ફેમિલી કારમાં પેટ્રોલનો ખર્ચ 100 પાઉન્ડ કરતાં વધી ગયો હતો. જોકે આ સપ્તાહમાં ઇંધણોની કિંમતમાં થોડો ઘટાડો થતાં જનતાને રાહત મળી છે. તેમ છતાં ગયા વર્ષની સરખામણીમાં ઇંધણોની કિંમત ઘણી ઊંચી છે.
જૂન મહિનામાં દૂધ, ચીઝ અને ઇંડાની કિંમતમાં તોતિંગ વધારો થયો છે. તે ઉપરાંત શાકભાજી, માંસ અને તૈયાર ભોજનની કિંમતો પણ વધી છે. માર્ચ 2009 પછી પહેલીવાર ખાદ્યપદાર્થોની કિંમતોમાં તોતિંગ ભાવવધારો જોવા મળી રહ્યો છે. રિસર્ચ ફર્મ કેન્ટારના જણાવ્યા અનુસાર આ વર્ષે સુપરમાર્કેટ બિલમાં સરેરાશ 454 પાઉન્ડ સુધીનો વધારો થશે. તે ઉપરાંત વીજળીના બિલ પણ પરિવારોના બજેટ ખોરવી રહ્યાં છે. વીજળીના બિલમાં પ્રતિ વર્ષ 700 પાઉન્ડ જેટલો કમરતોડ વધારો થયો છે. ઓક્ટોબરમાં વીજળીના બિલમાં ફરી વધારો ઝિંકાય તેવી સંભાવના છે. રેસ્ટોરન્ટમાં ખાવાના બિલ અને ઘરભાડાંઓમાં પણ મોટો વધારો થયો છે. ઘરભાડામાં ઓછામાં ઓછો 8.6 ટકાનો વધારો થયો છે.
બ્રિટનમાં ફુગાવાનો દર અમેરિકા અને યુરોપના અન્ય દેશો કરતાં પણ વધુ
વૈશ્વિક પરિબળોની અસરો વેઠી રહ્યાં હોવા છતાં અમેરિકા અને યુરોપના અન્ય દેશો કરતાં બ્રિટનમાં મોંઘવારીનો દર વધુ વિકરાળ બની રહ્યો છે. જર્મનીમાં ફુગાવાનો દર 8.2 ટકા જ્યારે ફ્રાન્સમાં 6.5 ટકા છે. બ્રિટનના જાણીતા અર્થશાસ્ત્રી પોલ ડેલ્સ કહે છે કે ઇંધણોની કિંમતમાં વધારા અને કામદારોની અછતના કારણે વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે પરંતુ યુરોઝોનમાં ઇંધણોની કિંમતો ફુગાવાને વકરાવી રહી છે. યુરોપિયન સંઘના દેશોની સરકારો ઇંધણો અને વીજળીના ભાવવધારાને સામાન્ય પરિવારો પર ઝિંકવાથી દૂર રહી છે. બ્રિટનમાં કામદારોની અછત પણ મોંઘવારી માટે કારણભૂત છે. અમેરિકાની જેમ બ્રિટનમાં પણ કામદારો ઊંચા વેતનની માગ કરી રહ્યાં છે જેના કારણે ફુગાવામાં વધારો થઇ રહ્યો છે. બ્રેક્ઝિટ અને કોરોના મહામારીના કારણે કામદારોની અછત વર્તાઇ રહી છે.
ફુગાવા માટે ઘરેલુ કારણો પણ જવાબદાર – બેન્ક ઓફ ઇંગ્લેન્ડ
બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, દેશમાં ફુગાવાના ઊંચા દર માટે ફક્ત વૈશ્વિક જ નહીં પરંતુ ઘરેલુ કારણો પણ જવાબદાર છે. કામદારોની અછત વર્તાઇ રહી છે. જેના કારણે કંપનીઓ માટે પગાર વધારો આપીને નિયુક્તિ મુશ્કેલ બની છે. ઊંચા પગારના કારણે ફુગાવાનો દર વધવાનું જોખમ સર્જાયું છે. જી-7 દેશોમાં સૌથી ઊંચો ફુગાવાનો દર બ્રિટનમાં પ્રવર્તી રહ્યો છે.
ફુગાવાને નિયંત્રિત કરવા સરકાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડ સાથે મળીને કામ કરી રહી છે – ચાન્સેલર નદિમ ઝાહાવી
ચાન્સેલર નદિમ ઝાહાવીએ જણાવ્યું હતું કે, ફુગાવાને નિયંત્રિત કરવા માટે સરકાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડ સાથે મળીને કામ કરી રહી છે. મોંઘવારીથી ત્રસ્ત જનતાની પીડા હું જાણું છું. વિપક્ષના શેડો ચાન્સેલર રાચેલ રીવ્ઝે જણાવ્યું હતું કે, મોંઘવારી અને પગારમાં વધારો નહીં થવાના કારણે પરિવારોના બજેટ જોખમમાં મૂકાયાં છે. ટોરી સરકારની અયોગ્ય આર્થિક નીતિઓના કારણે આ સ્થિતિ સર્જાઇ છે.

