લંડનઃ ડીલિવરી ડ્રાઈવર જૂનેદ ખાન અને મતેના કાકા શાહઝિબ ખાને યુકેના સફોકમાં યુએસ મિલિટરી થાણાઓમાં અમેરિકન કે બ્રિટિશ દળો પર બોમ્બહુમલાની યોજના ઘડી હોવાની રજૂઆત કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટ સમક્ષ થઈ હતી. જોકે, બન્ને આરોપીએ ત્રાસવાદના કાવતરાને અંજામ આપવા અને ત્રાસવાદી સંગઠનમાં જોડાવા સીરિયા જવાના આરોપો નકારી કાઢ્યા હતા.
જૂનેદે ઈસ્લામિક સ્ટેટમાં જોડાવા સીરિયા જવાનું માંડી વાળ્યા પછી હુમલાની યોજના વિચારી હતી. ગત જુલાઈમાં તેની ધરપકડ કરાઈ હતી. જૂનેદે ફાર્માસ્યુટિકલ કંપની માટે વારા લગાવતી વેળાએ ઈસ્ટ એન્ગલિઆમાં RAF લેકનહીથ અને RAF મિલ્ડેનહોલ ખાતે યુએસ હવાઈ થાણા સહિતના થાણાઓની જાસૂસી કરી હતી. પોલીસને તેના લૂટનના ઘરમાં લેપટોપમાં પાઈપ બોમ્બ બનાવવાની અલ-કાયદાની સૂચનાઓ તેમજ મોટા લશ્કરી નાઈફના ચિત્રો મળી આવ્યા હતા.
જૂનેદ અને શાહજિબે સીરિયા જવાની યોજના ઘડી હતી, પરંતુ વિચાર બદલી ગત મે મહિનાથી બ્રિટનમાં જ લશ્કરી જવાનો પર હુમલાની યોજના ઘડી હતી. પોલીસને જૂનેદના બેડરૂમમાંથી બ્રિટિશ અને યુએસ ફ્લેગ્સ, ઈસ્લામિક સ્ટેટના ફ્લેગમાં મળતા પ્રતીકો સાથે બ્લેક ટી-શર્ટ અને શાહજિબના રૂમમાંથી ઈસ્લામિક સ્ટેટ નામનું પુસ્તક પણ મળી આવ્યા હતા.


