લંડન
બ્રિટનમાં ફરી એકવાર રાજાશાહી સામેના સૂરો બુલંદ બનવા લાગ્યા છે. મહારાણીના નિધન બાદ રાજા ઘોષિત થયેલા કિંગ ચાર્લ્સ ત્રીજા કાર્ડિફમાં લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ બૂમો પાડીને કહ્યું હતું કે, ચાર્લ્સ અમે અમારા ઘરોને ગરમ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છીએ ત્યારે અમારે તમારી પરેડ માટે ખિસ્સામાંથી નાણા ચૂકવવા પડે છે. કરદાતાઓ તમારા માટે 100 મિલિયન પાઉન્ડ ચૂકવે છે, શા માટે? જોકે પોલીસે આ વ્યક્તિને તાત્કાલિક ત્યાંથી હટાવી દીધો હતો. કિંગ ચાર્લ્સ ત્રીજાનો મોટો વિરોધ કરાશે પરંતુ અત્યાર સુધી વિરોધના સૂર મહારાણીના નિધનના કારણે દબાયેલા છે.
બ્રિટનમાં રાજાશાહી સામે અભિયાન ચલાવી રહેલા સંગઠન રિપબ્લિકે મહારાણીના નિધનના કારણે જાહેરમાં નિવેદનો આપવાનું બંધ કર્યું હતું પરંતુ કિંગ ચાર્લ્સ ત્રીજાને રાજા જાહેર કરાતાં જ આ અભિયાન ફરી એકવાર વેગ પકડવા લાગ્યું છે. સંગઠનના વડા ગ્રેહામ સ્મિથ કહે છે કે રાજગાદી પર સત્તા પરિવર્તન ગેમ ચેન્જર છે. બ્રિટનની મોટાભાગની જનતા માટે મહારાણી જ રાજાશાહી હતી અને રાજાશાહીનો પર્યાય જ મહારાણી હતા. કિંગ ચાર્લ્સ એક અલગ વ્યક્તિત્વ છે. તમે આ સપ્તાહમાં જ જોયું હશે કે તેઓ કેવા તરત ગુસ્સે થઇ જાય છે. તેમણે ક્લેરેન્સ હાઉસના કર્મચારીઓની છટણી પણ કરી નાખી છે. મહારાણી બ્રિટનમાં સર્વસ્વીકૃત હતાં જ્યારે કિંગ ચાર્લ્સ માટે એમ કહી શકાતું નથી.
સ્મિથે જણાવ્યું હતું કે, અણે આગામી એપ્રિલ-જૂનમાં કિંગ ચાર્લ્સની તાજપોશીના સમયે મોટા વિરોધ પ્રદર્શનો કરવાની તૈયારીમાં છીએ. અમે અમારા સંગઠનમાં નવા લોકોની ભરતી કરી રહ્યાં છીએ. અમે રાજકીય નેતાઓ અને સમાજના અગ્રણીઓને પણ અમારી સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. હવે દેશમાં રાજાશાહી અંગે નવેસરથી ચર્ચા શરૂ કરાશે.


