બ્રિટનમાં રાજાશાહીના નવા યુગનો પ્રારંભ – કિંગ ચાર્લ્સ ત્રીજા તખ્તનશીન

નોર્મન રાજાઓના સમયથી ચાલી આવતી પરંપરા અનુસાર એસેસન કાઉન્સિલ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઇ, એસેસન સેરેમનીમાં ક્વીન કોન્સોર્ટ કેમિલા, પ્રિન્સ ઓફ વેલ્સપદે નિયુક્ત થયેલા પ્રિન્સ વિલિયમ, બ્રિટનના નવા વડાંપ્રધાન લિઝ ટ્રસ સહિત 250 મહાનુભાવો હાજર રહ્યાં

Wednesday 14th September 2022 04:49 EDT
 
 

લંડન

મહારાણી એલિઝાબેથ બીજાના નિધનના બે દિવસ બાદ લંડનના સેન્ટ જેમ્સ પેલેસ ખાતે પ્રિન્સ ચાર્લ્સને વિધિવત રીતે બ્રિટનના રાજા જાહેર કરાયા હતા. હવે તેઓ સત્તાવાર રીતે કિંગ ચાર્લ્સ ત્રીજા તરીકે ઓળખાશે. આમ તો મહારાણીના નિધનની સાથે જ તેઓ બ્રિટનના રાજા બની ગયા હતા પરંતુ નોર્મન રાજાઓના સમયથી ચાલી આવતી પરંપરા અનુસાર 10 સપ્ટેમ્બર 2022ના શનિવારે સવારે 10 કલાકે એસેસન કાઉન્સિલ દ્વારા વિધિવત જાહેરાત કરાઇ હતી. બ્રિટનમાં પહેલીવાર રાજાની ઘોષણાનું ટેલિવિઝન પર લાઇવ પ્રસારણ કરાયું હતું. કિંગ ચાર્લ્સ ત્રીજાની એસેસન સેરેમનીમાં સૌથી પહેલાં કાઉન્સિલ દ્વારા મહારાણીના નિધનની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ પ્રસંગે કિંગ ચાર્લ્સની સાથે ક્વીન કોન્સોર્ટ કેમિલા, પ્રિન્સ ઓફ વેલ્સપદે નિયુક્ત થયેલા પ્રિન્સ વિલિયમ, બ્રિટનના નવા વડાંપ્રધાન લિઝ ટ્રસ સહિત 250 મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

એસેસન સેરેમનીમાં લોર્ડ પ્રેસિડેન્ટ અને કન્ઝર્વેટિવ સાંસદ પેની મોરડોન્ટે મહારાણીના નિધનની જાહેરાત કરી હતી અને ત્યારબાદ એસેસન પ્રોક્લેમેશનની ટેક્સ્ટ વાંચવા માટે ક્લાર્ક ઓફ કાઉન્સિલને નિમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ એસેસન કાઉન્સિલ દ્વારા તેના પર હસ્તાક્ષર કરાયા હતા. 10-20 કલાકે કિંગ ચાર્લ્સ ત્રીજા કાઉન્સિલની પ્રક્રિયામાં જોડાયા હતા. આ સમયે તેમણે પહેલાં મહારાણીના નિધનની વ્યક્તિગત જાહેરાત કરી હતી અને ત્યારબાદ તેમણએ ચર્ચ ઓફ સ્કોટલેન્ડની સુરક્ષાના શપથ લઇ બે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. ક્વીન કોન્સોર્ટ કેમિલા અને પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ તેના સાક્ષી બન્યાં હતાં. 11 કલાકે સેન્ટ જેમ્સ પેલેસની બાલ્કનીમાંથી ગાર્ટર કિંગ ઓફ આર્મ્સ દ્વારા પ્રોક્લેમેશનનું જાહેરમાં વાંચન કરાયું હતું.

આ પહેલાં શનિવારે દેશજોગ સંદેશામાં કિંગ ચાર્લ્સ ત્રીજાએ વફાદારી, સન્માન અને પ્રેમથી દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સંદેશામાં પોતાની માતા મહારાણી એલિઝાબેથ બીજાને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે જણાવ્યું હતું કે, મારી માતા એક સારું જીવન જીવ્યાં હતાં અને તેમના નિધનને કારણે સમગ્ર દેશ શોકાતુર બન્યો છે. જીવનભર દેશની સેવા કરવાના મારી માતાના વચનને હું દોહરાવું છું. તેમણે સ્વીકાર્યું હતું કે, હવે હુ રાજગાદીના વારસમાંથી રાજા બની રહ્યો છું. મારી કામગીરીમાં મોટો બદલાવ આવવાનો છે. રાજાશાહીની ભુમિકા અને ફરજો પર બોલતાં તેમણે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ સાથેના સંબંધોની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. મારો ઉછેર અન્યો પ્રત્યેની ફરજની ભાવના જાળવી રાખવા, આપણા અમૂલ્ય ઇતિહાસની પરંપરા, સ્વતંત્રતા અને જવાબદારીઓનું સન્માન જાળવવા અને આપણી સંસદીય સરકારની પ્રણાલિમાં વિશ્વાસ જાળવવા કરાયો છે. મહારાણીએ પણ પ્રતિબદ્ધતા સાથે આ ફરજો નિભાવી હતી. તેવી જ રીતે હું પણ પરમેશ્વર મને જેટલો સમય આપશે તે દરમિયાન આપણા દેશના બંધારણિય સિદ્ધાંતોની જાળવણી કરીશ. કિંગ ચાર્લ્સ ત્રીજાએ જણાવ્યું હતું , નવી જવાબદારીઓની સાથે મારું જીવન પણ બદલાઇ જવાનું છે. હવે હું સખાવતી કામો અને મને જેની સૌથી વધુ ચિંતા રહેતી હતી તેવા મુદ્દાઓ માટે વધુ સમયની ફાળવણી કરી શકીશ નહીં પરંતુ હું જાણું છું કે આ મહત્વના કામ મારા વિશ્વાસુઓ સારી રીતે આગળ ધપાવશે.

કિંગ ચાર્લ્સ ત્રીજાએ જયેષ્ઠ પુત્ર પ્રિન્સ વિલિયમને રાજગાદીના વારસ જાહેર કર્યાં

પોતાના જયેષ્ઠ પુત્ર ડ્યુક ઓફ કોર્નવોલ પ્રિન્સ વિલિયમ માટે તેમણે જણાવ્યું હતું કે, આજે હું તેમને પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે જાહેર કરતાં ગૌરવ અનુભવું છું. મેં મારા જીવનનો મોટો હિસ્સો આ પદવી સાથે પસાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં રાજગાદીના વારસને પ્રિન્સ ઓફ વેલ્સની પદવી અપાય છે. પ્રિન્સ વિલિયમની સાથે તેમના પત્ની કેટ વિલિયમને પ્રિન્સેસ ઓફ વેલ્સની પદવી અપાઇ છે. કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, કેથેરાઇનની સાથે મળીને આપણા નવા પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ આપણી રાષ્ટ્રીય પરંપરાઓની જાળવણી કરશે અને સમાજના છેવાડાના લોકોને મુખ્યપ્રવાહમાં લાવવા મદદ કરશે. પ્રિન્સ હેરી અને મેઘાન મર્કેલ અંગે કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, તેઓ વિદેશમાં તેમના જીવનોનું નિર્માણ કરી રહ્યાં છે ત્યારે મારો પ્રેમ તેમની સાથે છે.

કેમિલા પાર્કર બન્યાં ક્વીન કોન્સોર્ટ

એકસમયે પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના લગ્નજીવનમાં ભંગાણ માટે બદનામ થનાર કેમિલા પાર્કરને કિંગ ચાર્લ્સ ત્રીજાના ક્વીન કોન્સોર્ટનો દરજ્જો અપાયો છે.  કેમિલા પાર્કરને ક્વીન કોન્સોર્ટનો દરજ્જો અપાય તેવી ક્વીન એલિઝાબેથ બીજાની ગંભીર ઇચ્છા હતી. ફેબ્રુઆરી 2022માં ક્વીન એલિઝાબેથે જણાવ્યું હતું કે, સમય આવ્યે મારો પુત્ર ચાર્લ્સ રાજા બનશે ત્યારે હું જાણું છું કે બ્રિટનની જનતા ચાર્લ્સ અને તેમની પત્ની કેમિલાને મને આપ્યો હતો તેવો જ સહકાર અને પ્રેમ આપશે. આ મારી અંતરની ઇચ્છા છે. સમય આવશે ત્યારે કેમિલાને ક્વીન કોન્સોર્ટ તરીકેનો દરજ્જો અપાશે.

 ઇતિહાસ મહત્વની સંસદીય પરંપરાઓ યાદ અપાવે છે – કિંગ ચાર્લ્સ ત્રીજા

મહારાણીના નિધન બાદ બ્રિટનના રાજા જાહેર થયેલા કિંગ ચાર્લ્સ ત્રીજાએ સોમવારે રાજા તરીકે પહેલીવાર બ્રિટિશ સંસદની મુલાકાત લીધી હતી. બ્રિટિશ સંસદના ઐતિહાસિક પ્રવચનમાં કિંગ ચાર્લ્સે માતાની જેમ નિસ્વાર્થ ફરજ બજાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ ક્વીને નિસ્વાર્થ સેવાનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. હું વિશ્વાસુપણે તેમનું અનુસરણ કરીશ. સંસદને કરેલા ટૂંકા સંબોધનમાં પ્રિન્સ ચાર્લ્સે શેક્સપિયરને ટાંકતા જણાવ્યું હતું કે, શેક્સપિયર અગાઉના મહારાણી એલિઝાબેથ અંગે કહી ગયા તેમ તેઓ તમામ જીવિત રાજકુમારો માટે એક પેટર્ન સમાન હતા. તેમણે જણાવ્યું હતું કે ઇતિહાસ આપણને મહત્વની સંસદીય પરંપરાઓની યાદ અપાવે છે. સંસદના બંને ગૃહના સાંસદોએ પોતાને આ પરંપરાઓને સમર્પિત કર્યા છે.

સંસદમાં પહેલીવાર ગોડ સેવ ધ કિંગ રાષ્ટ્રગીત ગવાતાં કિંગ રડી પડ્યાં

બ્રિટિશ રાજવી ઇતિહાસના છેલ્લા સાત દાયકામાં પહેલીવાર સંસદમાં ગોડ સેવ ધ કિંગ રાષ્ટ્રગીત ગવાતાં નવા વરાયેલા રાજા કિંગ ચાર્લ્સ ત્રીજા રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું મારા ખભા પર ઇતિહાસનો બોજો અનુભવી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter