બ્રિટનમાં રાજ્યાશ્રય માટે આવી રહેલા માઇગ્રન્ટ્સની સમસ્યા ગંભીર બની, બ્રેવરમેન પર પસ્તાળ

દાવાનો ઝડપી નિકાલ ન થતો હોવાનો રિશી સુનાકનો સ્વીકાર, માઇગ્રન્ટ પોલિસી પર સ્પષ્ટતા કરવા સત્તાધારી અને વિપક્ષી સાંસદોની માગ

Wednesday 09th November 2022 05:29 EST
 
 

લંડન

બ્રિટનમાં રાજ્યાશ્રય માટે આવી રહેલા માઇગ્રન્ટસની સમસ્યા ઘેરી બની રહી છે. છેલ્લા એક સપ્તાહમાં મેન્સ્ટન અને કેન્ટ ખાતેના પ્રોસેસિંગ સેન્ટર ખાતે બનેલી ઘટનાઓ વડાપ્રધાન રિશી સુનાક અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની ચિંતાઓમાં વધારો કરી રહી છે. મેન્સ્ટન ખાતેના પ્રોસેસિંગ સેન્ટરમાં ક્ષમતા કરતાં વધુ માઇગ્રન્ટ્સને રાખવા મામલે વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે તો સરકાર આ માઇગ્રન્ટ્સને હોટલો અને અન્ય રહેણાંકોમાં આશ્રય આપવા માટે સંઘર્ષ કરી રહી છે. આ મામલે હવે ટોરી પાર્ટીમાં પણ ગણગણાટ શરૂ થયો છે. ચાર વરિષ્ઠ ટોરી સાંસદોએ માઇગ્રન્ટ ક્રાઇસિસ પર સકંજો કસવા સરકાર કેવા પગલાં લેવા જઇ રહી છે તે માટે દબાણ સર્જ્યું છે. સુએલા બ્રેવરમેન ઇંગ્લીશ ચેનલ પાર કરીને નાની હોડીઓ દ્વારા આવી રહેલા માઇગ્રન્ટ્સને અટકાવવા કેવા પગલાં લઇ રહ્યાં છે તે અંગે સંસદિય સમિતિએ સ્પષ્ટતા માગી છે.

વડાપ્રધાન રિશી સુનાકે સ્વીકાર્યું છે કે રાજ્યાશ્રય માટેના દાવાઓનો પુરતો નિકાલ થઇ રહ્યો નથી. સુનાકે નાની હોડીઓમાં આવી રહેલા માઇગ્રન્ટ્સની સમસ્યાને ગંભીર ગણાવી છે. જોકે તેમણે સુએલા બ્રેવરમેનને ટેકો આપતાં સરકાર આ મામલામાં પગલાં લઇ રહી હોવાનું આશ્વાસન આપ્યું છે.

સરકાર પર આરોપ મૂકાઇ રહ્યો છે કે પ્રોસેસિંગ સેન્ટર ખાતે પ્રક્રિયા માટે 24 કલાકની મર્યાદા નક્કી કરાઇ હોવા છતાં ચાર ચાર સપ્તાહ સુધી કોઇ પ્રક્રિયા થતી નથી. તે ઉપરાંત પ્રોસેસિંગ સેન્ટરમાં લોકોને ખીચોખીચ ભરીને રાખવામાં આવતાં હોવાથી રોગચાળો ફાટી નીકળવાનું જોખમ સર્જાયું છે. કેટલાંક સગીર માઇગ્રન્ટ પ્રોસેસિંગ સેન્ટરમાંથી પત્રો ફેંકીને મદદની ભીખ માગી રહ્યાં છે.

કેન્ટના સ્થાનિક આગેવાનો સરકાર પર માઇગ્રન્ટ્સ ક્રાઇસિસમાં અપુરતાં પગલાં લેવાનો આરોપ મૂકી રહ્યાં છે. કેન્ટની 14 કાઉન્ટીના આગેવાનોએ સુએલા બ્રેવરમેનને પત્ર લખીને જણાવ્યું છે કે હોમ ઓફિસ આ મામલામાં સદંતર નિષ્ફળ ગઇ છે. તેમણે રાજ્યાશ્રયની પ્રક્રિયા ઝડપી બનાવવાની માગ કરી છે.

હોમ ઓફિસે માઇગ્રન્ટ્સને લંડનમાં ભગવાન ભરોસે છોડી દીધાં

એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે મેન્સ્ટન ફેસિલિટીમાં ભારણ ઘટાડવા માટે કેટલાક માઇગ્રન્ટ્સને મધ્ય લંડનમાં આશ્રય આપવા માટે લવાયા હતા પરંતુ તેમને વિક્ટોરિયા સ્ટેશન ખાતે ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી દેવાયાં હતાં. ઠંડી ઋતુમાં તેમને ગરમ કપડાં કે ભોજનની કોઇ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નહોતી. અફઘાનિસ્તાન, સીરિયા અને ઇરાકથી આવેલા આ માઇગ્રન્ટ્સ આકરી ભૂખની ફરિયાદ કરી રહ્યાં હતાં. છેલ્લા બે દિવસમાં મેન્સ્ટન કેમ્પમાંથી સેંકડો માઇગ્રન્ટ્સને બ્રિટનના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter