લંડન: બ્રિટનમાં રેસિડેન્ટ ડોક્ટરોએ પગાર વધારાના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મંગળવારે સવારે 07:00 વાગ્યાથી 6 દિવસની હડતાળ શરૂ કરી હતી. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ના કુલ મેડિકલ સ્ટાફમાં લગભગ અડધો હિસ્સો ધરાવતા આ ડોક્ટરોની 15મી હડતાળને કારણે આરોગ્ય સેવાઓમાં મોટા પાયે ખોરવાઇ ગઇ હતી.
સરકાર દ્વારા ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવા માટે સિનિયર તબીબોને તહેનાત કરાયા છે, પરંતુ હડતાળના કારણે અગાઉથી નક્કી કરાયેલા સેંકડો ઓપરેશનો અને એપોઇન્ટમેન્ટ્સ રદ કરવાની ફરજ પડી હતી. બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA) અને સરકાર વચ્ચેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ આ આક્રમક પગલું ભરવામાં આવ્યું છે. NHS એ નાગરિકોને અપીલ કરી છે કે કટોકટીના સમયે 999 અને 111 સેવાઓનો ઉપયોગ કરવાનું ટાળવું નહીં.
ડોક્ટરોનો આરોપ છે કે મોંઘવારીના પ્રમાણમાં તેમનો વાસ્તવિક પગાર વર્ષ 2008ની સરખામણીએ 20% જેટલો ઘટી ગયો છે. BMA ના ડેપ્યુટી ચેરમેન ડો. એમ્મા રન્સવિકે જણાવ્યું હતું કે, અમે સમજૂતીની ખૂબ નજીક હતા, પરંતુ સરકારે છેલ્લી ઘડીએ ભંડોળ ઘટાડવાનો નિર્ણય કરીને મંત્રણા ખોરવી નાખી. આથી અમારી પાસે હડતાળ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.


