બ્રિટનમાં રેસ્ટોરન્ટ અને બાર માલિકો હવે ટિપની રકમ પોતાના ખિસ્સામાં સેરવી શકશે નહીં

માલિકોએ ટિપ અને સર્વિસ ચાર્જની રકમ કર્મચારીઓમાં ફરજિયાત વહેંચી દેવી પડશે

Wednesday 20th July 2022 06:39 EDT
 
 

લંડન

બ્રિટનમાં રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને બારમાં કામ કરતા કર્મચારીઓને અપાતી ટિપ અંગેના નવા કાયદા અમલમાં આવી ગયા છે. નવા કાયદા અંતર્ગત રેસ્ટોરન્ટ અથવા તો બારના માલિકો તેમના સ્ટાફને મળનારી ટિપ પોતાની પાસે રાખી શક્શે નહીં. તેનો અર્થ એ થયો કે ગ્રાહકો હવે જાણી શકશે કે તેમણે આપેલી ટિપ આકરી મહેનત કરતા કર્મચારી સુધી પહોંચી છે. તે કર્મચારીની આવકમાં વધારો થશે. આ કાયદાના કારણે બ્રિટનમાં રેસ્ટોરન્ટ અને બારમાં કામ કરતા 20 લાખ જેટલા કામદારોને લાભ થશે.

પહેલીવાર તેઓ રેસ્ટોરન્ટ અથવા તો બાર માલિક પાસે ટિપના રેકોર્ડની માગ કરી શકશે. સાંસદ ડીન રસેલ દ્વારા રજૂ કરાયેલા એમ્પ્લોયમેન્ટ એલોકેશન ઓફ ટિપ્સ બિલને સરકાર દ્વારા સમર્થન અપાયું હતું. બિલ પ્રમાણે તમામ ટિપ કર્મચારીઓને આપવી પડશે અને માલિક તેમાથી કશું પોતાની પાસે રાખી શકશે નહીં.

બિઝનેસ મિનિસ્ટર જેન હન્ટે જણાવ્યું હતું કે, એકતરફ કાળઝાળ મોંઘવારી જનતાને દઝાડી રહી છે ત્યારે રેસ્ટોરન્ટ અને બારના માલિકો તેમના કર્મચારીઓને મળતી ટિપ પોતાની પાસે જમા કરી લે તે યોગ્ય નથી.કર્મચારી કોઇપણ કામ કરતો હોય પરંતુ દિવસના અંતે તેણે કરેલા કામ અને મહેનતનું પુરેપુરું વળતર તેને મળવું જોઇએ.ગ્રાહકોને પણ હવે વિશ્વાસ રહેશે કે તેમણે મહેનત કરનારને ટિપ આપી હતી અને તે ચોક્કસ તેની પાસે પહોંચી હશે. આ ખરડો રજૂ કરવા અને તેને પસાર કરાવવા પાછળ રહેલા તમામ સમર્થકોને હું ધન્યવાદ આપું છું. ખરડો રજૂ કરનાર વેટફોર્ડના કન્ઝર્વેટિવ સાંસદ ડીન રસેલે જણાવ્યુ હતું કે, મને આનંદ છે કે મેં રજૂ કરેલો ટિપ અંગેનો ખરડો સંસદમાં પસાર થઇ ગયો છે. દેશભરમા હોસ્પિટાલિટી બિઝનેસમાં કામ કરી રહેલા લાખો લોકોને તેમની મહેનતનું સંપુર્ણ મહેનતાણું મળે તે હવે સુનિશ્ચિત થશે. એ જાણીને ઘણુ દુખ થતું હતું કે,કેટલાક માલિકો તેમના કર્મચારીઓને મળેલી ટિપ પોતાની પાસે જ રાખી લેતા હતા પરંતુ હવે આ બાબતનો અંત આવી જશે. મોંઘવારી વધી છે તેવા સમયમાં આ કાયદાથી કર્મચારીઓની આવક વધશે અને રાહત મળશે.

યુકે હોસ્પિટાલિટી ચીફ એક્ઝિક્યુટિવ કેટ નિકોલ્સે જણાવ્યું હતું કે, ટિપ અને સર્વિસ ચાર્જના કારણે હોસ્પિટાલિટી સેક્ટરના કર્મચારીઓની આવકમાં વધારો થાય છે. આ કાયદામાં ભલામણ કરાઇ છે કે માલિકો તેમના કર્મચારીઓમાં ટિપની સમાન વહેંચણીની નીતિ અપનાવે તે જાણીને ખુશી થઇ છે. આ કાયદાના કારણે કર્મચારીની અછત વેઠી રહેલા હોસ્પિટાલિટી બિઝનેસને પણ લાભ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter