બ્રિટનમાં વંશીય સમુદાય સાથે રેસિઝમ અને અસમાનતામાં તોતિંગ વધારો

ભેદભાવ અથવા પૂર્વગ્રહના સૌથી વધુ કિસ્સાઓ જાહેર સ્થળોએ, ત્યારબાદ સોશિયલ મીડિયા અને કાર્યસ્થળો પર નોંધાયા

Tuesday 22nd September 2026 10:36 EDT
 
 

લંડનઃ એક થિંકટેન્ક દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર, મોટાભાગના બ્રિટિશ નાગરિકો માને છે કે દેશમાં રંગભેદની સ્થિતિ વણસી રહી છે અને ભેદભાવના કિસ્સાઓમાં વધારો થયો છે. બ્રિટિશ ફ્યુચર નામની સંસ્થા દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે વંશીય લઘુમતી સમુદાયના 50 ટકા લોકોનું માનવું છે કે,  છેલ્લા એક વર્ષમાં નસલ અથવા રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. 18થી 24 વર્ષની વયના યુવાનોમાં આ સમસ્યા વધુ ગંભીર જોવા મળી છે. ભેદભાવ અથવા પૂર્વગ્રહના સૌથી વધુ કિસ્સાઓ જાહેર સ્થળોએ, ત્યારબાદ સોશિયલ મીડિયા અને કાર્યસ્થળો પર નોંધાયા છે.

વંશીય લઘુમતીના 62 ટકા અને શ્વેત સમુદાયના 57 ટકા બ્રિટનમાં વંશીય અસમાનતાને એક ગંભીર સમસ્યા માને છે. 37 ટકા શ્વેત લોકોનું માનવું છે કે વંશીય લઘુમતી સમુદાયો સાથે શ્વેત બ્રિટિશરો કરતાં વધુ સારું વર્તન કરવામાં આવે છે, જ્યારે વંશીય લઘુમતી સમુદાયના માત્ર 23 ટકા જ આ વાત સાથે સંમત થાય છે.

અહેવાલ મુજબ, વંશીય ભેદભાવ કરતાં ગરીબ અને અમીર વચ્ચેનો આર્થિક તફાવત દેશ માટે સૌથી મોટો વિભાજનકારી મુદ્દો ગણવામાં આવે છે. શ્વેતોની સરખામણીમાં અશ્વેત નાગરિકો રંગભેદ દૂર કરવાના પ્રયાસો પ્રત્યે વધુ આશાવાદી છે. બીજી તરફ, બાંગ્લાદેશી અને પાકિસ્તાની મૂળના લોકોમાં વધુ નિરાશા અને ચિંતા જોવા મળી છે.

બ્રિટિશ ફ્યુચરના સુંદર કાટવાલાના જણાવ્યા અનુસાર, મોટાભાગના વંશીય લઘુમતીઓ અનુભવે છે કે તેમના જીવનકાળ દરમિયાન રંગભેદ સામે સકારાત્મક પરિવર્તન આવ્યું હતું, પરંતુ હવે તે પ્રગતિ પાછી ઠેલાઈ રહી હોવાનો ડર છે. અહેવાલમાં સરકારને ભલામણ કરવામાં આવી છે કે તેઓ આ અસમાનતાઓ સામે તાત્કાલિક અને સક્રિય પગલાં લે, સમાન વેતન પ્રોત્સાહિત કરે અને ઓનલાઈન રંગભેદ સામે કડક કાર્યવાહી કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter