લંડનઃ ઈયુ દેશોના નેતાઓને બ્રિટનમાં વધતું કોરોના સંક્રમણ ભયજનક જણાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપના પોઝિટિવ દેખાવમાં યુકેના કેસીસમાં વધારાને ‘કાળા વાદળ’ તરીકે ગણાવ્યા છે. યુકેનો ૭.૫ ટકાનો સંક્રમણદર યુરોપમાં ચિંતાજનક છે. યુકેમાં નવા કેસ અન્ય યુરોપીય દેશોની સરખામણીએ ઝડપથી વધી રહ્યા છે. યુકેમાં કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યા યુરોપમાં સૌથી વધુ છે તેમ કહેતા ઓસ્ટ્રીયાના હેલ્થ મિનિસ્ટરે વિવિધ ગ્રાફ્સ દર્શાવ્યા હતા. ગત ૧૦ દિવસમાં ચેપમાં સરેરાશ દૈનિક વધારાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રીયાનો દેખાવ સૌથી સારો અને બ્રિટનનો દેખાવ સૌથી ખરાબ રહ્યો છે. બ્રિટનમાં દૈનિક સંક્રમણદર ૭.૫ ટકા છે તેની સરખામણીએ ઓસ્ટ્રિયામાં ૧.૮ ટકા, સ્વીડનમાં ૫.૭, ફ્રાન્સમાં ૩.૭, સ્પેનમાં ૩.૨, જર્મનીમાં ૩, ઈટાલીમાં ૨.૫ અને સ્વિટ્ઝર્લેન્ડમાં ૨.૨ ટકા રહ્યો છે તેમ આંકડાઓએ દર્શાવ્યું છે.