લંડનઃ જમણેરી વિચારધારાના લોકો દ્વારા વધી રહેલા રેસિઝમ પર પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું બ્રિટિશ, ઇંગ્લિશ અને બ્રિટિશ એશિયન છું. તાજેતરમાં પોડકાસ્ટર કોન્સ્ટન્ટિન કિસિને એક ડિબેટમાં એવો આરોપ મૂક્યો હતો કે રિશી સુનાક ઇંગ્લિશ નથી કારણ કે તેઓ ઘઉંવર્ણા હિન્દુ છે.
સુનાકે જણાવ્યું હતું કે, મને લાગે છે કે વર્તમાન સમયમાં લોકો પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. મુખ્ય પ્રવાહની ચર્ચામાં સ્વીકાર્ય વિચારો અને ભાષાઓ માટેના શબ્દ ઓવરટન વિન્ડોમાં તમે કોઇ ફેરફાર જોઇ શકો છો કે કેમ તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, મારી ચિંતા અર્થતંત્ર અંગે હોય છે. મીડિયાનો ઉપયોગ પણ એક ચિંતાનો વિષય છે. મીડિયા લોકોને ઉશ્કેરણીજનક અને ધર્માંધ ભાષા માટે પ્રોત્સાહન આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
સાઉધમ્પટનમાં ઉછેર દરમિયાન પોતાની અને ભાઇબહેનની સાથે થતા રેસિસ્ટ વ્યવહાર પર સુનાકે જણાવ્યું હતું કે, મારી યાદશક્તિ એટલી સારી નથી પરંતુ કેટલીક ઘટનાઓ મારા મન પર કોતરાઇ ગઇ છે કારણ કે રેસિઝમ અન્ય કોઇપણ બાબત કરતાં વધુ દુઃખ આપે છે.
સુનાકે જણાવ્યું હતું કે, રેસિઝમ દૂર કરવા માટે આપણે હંમેશા પ્રયાસ કરતાં રહેવું જોઇએ. હું નથી ઇચ્છતો કે આપણે એ સમયગાળામાં પાછા પહોંચીએ જ્યારે સડકો પર તમને નિયમિત રીતે રેસિસ્ટ ભાષા સાંભળવા મળતી હતી.


