લંડનઃ બ્રિટનમાં નવા વિઝા નિયમોના કારણે ભારતીયોનું બ્રિટનમાં વસવાટ કરવાનું સ્વપ્ન રોળાઇ ગયું છે. અહીં સ્કિલ્ડ વિઝા પર કામ કરી રહેલા લગભગ 8.50 લાખ ભારતીયો પૈકીના બે લાખ લોકોએ અન્ય દેશોમાં વસવાનો નિર્ણય કરી લીધો છે. ઘણા ભારતીયો હવે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં નોકરી શોધવાના પ્રયાસ કરી રહ્યાં છે.
માન્ચેસ્ટરની એક હોટલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા પુનિત શર્માએ જણાવ્યું હતું કે, સારું જીવન જીવવા માટે અહીં 15 વર્ષ સંઘર્ષ કર્યો છે.હવે સરકારે એકાએક નવો આદેશ જારી કર્યો છે જેમાં સ્કિલ્ડ વિઝા પર આવતા વિદેશીઓ માટે નવી પગાર મર્યાદા નક્કી કરાઇ છે. મને મારો હોટલ માલિક 41 હજાર પાઉન્ડનો પગાર ક્યારેય આપવાનો નથી. તેથી હવે નોકરી માટે બીજા દેશમાં જવા સિવાય અન્ય કોઇ આરો રહ્યો નથી. મારો સમગ્ર પરિવાર તણાવમાં સમય વીતાવી રહ્યો છે. નવા નિયમ પછી અમે એજન્ટો થકી અન્ય દેશોમાં નોકરી શોધવાનું શરૂ કરી દીધું છે.