બ્રિટનમાં વિદ્યાર્થીઓમાં લેખન, વાંચન અને ગાણિતિક કુશળતા તળિયે બેસતાં ચિંતા

પુરતા કૌશલ્ય વિના જ 2,75,000 વિદ્યાર્થી સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશ્યાં

Tuesday 21st February 2023 13:23 EST
 
 

લંડન

યુકેમાં વાંચન, લેખન અને ગણિતના અધૂરા જ્ઞાન સાથે લાખો વિદ્યાર્થીઓ સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશ મેળવી રહ્યાં છે. એક અઁદાજ પ્રમાણે પૂરતું કૌશલ્ય પ્રાપ્ત કર્યા વિના જ 2,75,000 વિદ્યાર્થી પ્રાઇમરીમાંથી સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશી રહ્યાં છે. સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે કે 2030 સુધીમાં પ્રાથમિક શિક્ષણના અંતે ઓછામાં ઓછા 90 ટકા વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણિતમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં નક્કી કરાયેલા ધોરણ અનુસાર કુશળતા ધરાવતા હોવા જોઇએ. જોકે આટલા વર્ષોની મહેનત બાદ પણ વિદ્યાર્થીઓની કુશળતામાં નહીંવત વધારો કરી શકાયો છે. 2022માં 6ઠ્ઠા વર્ષના 41 ટકા બાળકોમાં વાંચન, લેખન અને ગાણિતિક ક્ષમતાઓ નક્કી કરેલા ધોરણો અનુસાર નહોતી. એટલે કે 11 વર્ષના 2,75,000 વિદ્યાર્થીઓએ અપુરતી ક્ષમતાઓ સાથે જ સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સંખ્યા વર્ષ 2019 કરતાં 50,000 વધુ છે.

કોરોના મહામારી અને લાંબાસમય સુધી અભ્યાસથી અળગા રહેવાના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. ગરીબ અને અમીર પરિવારના વિદ્યાર્થીઓ વચ્ચે ક્ષમતાનો તફાવત પણ વ્યાપક બન્યો છે.

એક ચેરિટીના રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની વકૃત્વ ક્ષમતામાં મોટો ઘટાડો નોંધાયો છે. યુકેના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ સારી રીતે બોલી શક્તાં નથી. કોરોના મહામારી બાદ તેમની ભાષાકીય કુશળતા પણ તળિયે બેઠી છે.

ચાલુ શૈક્ષણિક વર્ષમાં 15 વર્ષના 33 ટકા વિદ્યાર્થી શાળામાં સતત ગેરહાજર

કોરોના મહામારી બાદ વિદ્યાર્થીઓની શાળામાં ગેરહાજરીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એક રિસર્ચ અનુસાર ચાલુ શૈક્ષણિક વર્ષમાં 15 વર્ષના 33 ટકા વિદ્યાર્થીઓ શાળામાં સતત ગેરહાજર રહ્યાં છે. ઇંગ્લેન્ડની 7000 કરતાં વધુ શાળાના સરવેમાં સામે આવ્યું હતું કે, 14થી 15 વર્ષના વિદ્યાર્થીઓ શાળામાં સતત ગેરહાજર રહે છે. સતત ગેરહાજરીના કારણે ઇંગ્લેન્ડમાં 1,70,000 વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter