લંડન
ગ્રેટ બ્રિટનમાં છેલ્લા એક દાયકામાં વેપિંગ (ઇ-સિગારેટ પીવા)માં ઝડપથી વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર 43 લાખ લોકો નિયમિત વેપર્સ છે. એક દાયકા પહેલાં નિયમિત વેપિંગ કરનારાની સંખ્યા 1.7 ટકા હતી જે હવે વધીને 8.3 ટકા થઇ છે. છેલ્લા એક દાયકામાં દેશમાં વેપિંગ ક્રાંતિ આવી છે. એક્શન ઓન સ્મોકિંગ એન્ડ હેલ્થના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ હેઝલ ચીઝમેન કહે છે કે ધુમ્રપાન કરનારા લોકો હવે વેપિંગ તરફ વળી રહ્યાં છે જે એક સારા સમાચાર છે. ધુમ્રપાન છોડી ન શકનારા લોકો માટે વેપિંગ એક લાઇફ સેવિંગ ટૂલ સમાન છે. ધુમ્રપાનને નાબૂદ કરવા માટે આપણે વેપિંગ પર આધાર રાખી શકીએ છીએ. યુવાનોમાં વેપિંગનું પ્રમાણ વધ્યું છે. પરંતુ ધુમ્રપાન અટકાવવા માટે વેપિંગ એકલુ કારગર પૂરવાર નહીં થાય. સરકારે પણ કેટલાંક પગલાં લેવા પડશે.
દેશમાં કુલ 43 લાખ વેપર્સમાંથી 24 લાખ વેપર્સ પહેલાં ધુમ્રપાન કરતાં હતાં. 15 લાખ વેપર્સ હજુ પણ ધુમ્રપાન કરે છે અને 3,50,000 વેપર્સે ક્યારેય સિગારેટ ફૂંકી નથી. યુવાનોમાં ઇ-સિગારેટ લોકપ્રિય બની રહી છે. 2022માં 18થી 24 વર્ષના યુવાનો ઇ-સિગારેટના સૌથી મોટા ગ્રાહક પૂરવાર થયાં છે. અગાઉ યુવાઓમાં વેપિંગનું પ્રમાણ પાંચ ટકા જ હતું પરંતુ હવે 55 વર્ષથી વધુ વયના લોકોમાં વેપિંગ 5.9 ટકા થયું છે.
જોકે બાળકોમાં વધી રહેલું વેપિંગનું પ્રમાણ ચિંતાજનક છે. ચીઝમેન કહે છે કે 11થી 17 વર્ષના બાળકોમાં વેપિંગનું પ્રમાણ 4 ટકાથી વધીને 7 ટકા પર પહોંચી ગયું છે. 18 વર્ષથી નાના બાળકોમાં વેપ્સનું વેચાણ પ્રતિબંધિત હોવા છતાં તેમનામાં આ પ્રમાણ વધી રહ્યું છે. વેપિંગ વધવાની સાથે ધુમ્રપાનમાં ઘટાડો થઇ રહ્યો છે. જોકે બ્રિટનના 28 ટકા ધુમ્રપાન કરનારાએ હજુ સુધી ઇ-સિગારેટ અજમાવી નથી. 21 ટકા લોકો તેનો ઉપયોગ કરવા પણ ઇચ્છતા નથી. 33 ટકા લોકો માને છે કે વેપિંગ ધુમ્રપાન જેટલું જ હાનિકારક છે.


