લંડનઃ બ્રિટનમાં યુવા બેરોજગારી અને નિષ્ક્રિયતાની કટોકટી વધુ ઘેરી બનતા અર્થતંત્રને વાર્ષિક 125 બિલિયન પાઉન્ડનું મોટું નુકસાન થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હાલમાં દેશમાં બેરોજગાર અને શિક્ષણથી અળગા રહેતા યુવાનોની સંખ્યા 1 મિલિયનને પાર કરી ગઇ છે.
એક મહત્વપૂર્ણ અહેવાલમાં પૂર્વ લેબર કેબિનેટ મંત્રી એલન મિલબર્ને ચેતવણી આપી છે કે, યુવાનોમાં વધી રહેલી આ નિરાશા બ્રિટનના અર્થતંત્ર અને જાહેર નાણાકીય વ્યવસ્થા માટે મોટું આર્થિક જોખમ ઊભું કરી રહી છે. તેમણે આ સ્થિતિને લોસ્ટ જનરેશન તરીકે ઓળખાવી છે અને સરકારને શાળાઓ, આરોગ્ય સેવાઓ તેમજ કલ્યાણકારી યોજનાઓ અંગેની નીતિઓમાં ધરમૂળથી ફેરફાર કરવા તાકીદ કરી છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, માર્ચ મહિના સુધીના ત્રણ મહિનામાં 16 થી 24 વર્ષની વયના આ પ્રકારના યુવાનોની સંખ્યા વધીને 10,12,000 પર પહોંચી ગઈ છે. વર્ષ 2013 પછી પ્રથમ વખત આ આંકડો 10 લાખની સપાટીને વટાવી ગયો છે.
રિપોર્ટ અનુસાર આ યુવાનો અર્થતંત્રમાં યોગદાન નથી આપી શકતા અને સરકારે તેમને બેનિફિટ્સ આપવા પાછળ અબજો પાઉન્ડ ખર્ચવા પડે છે જેનાથી સરકારી તિજોરી પર મોટો બોજો પડી રહ્યો છે.


