બ્રિટનમાં શોપ વર્કરો પર હિંસક હુમલામાં વિક્રમજનક વધારો ચિંતાજનક

રિટેલ વર્કરો પર હુમલાને ગંભીર અપરાધ બનાવવા બિઝનેસ અગ્રણીઓની અપીલ

Tuesday 20th February 2024 12:22 EST
 
 

લંડનઃ છેલ્લા એક વર્ષમાં શોપ વર્કરો પરના હુમલામાં મોટો વધારો થયો છે. ગયા એક વર્ષમાં શોપ વર્કર પર હુમલાની પ્રતિ દિવસ 1300 ઘટના નોંધાઇ હતી. સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા એક વર્ષમાં શોપ્સમાં કામ કરતા કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓમાં 50 ટકાનો વધારો નોંધાયો હતો. તેની અગાઉના વર્ષમાં પ્રતિ દિન 870 ઘટના નોંધાઇ હતી.

બ્રિટિશ રિટેલ કોન્સોર્ટિયમે સરકાર દ્વારા લેવાતાં અપુરતા પગલાંની આકરી ટીકા કરી છે. સરકાર કહે છે કે અમે પોલીસને શોપ લિફ્ટિંગ જેવી ઘટનાઓમાં કડક હાથે કામ લેવાની સૂચના આપી છે. એક સરવે અનુસાર છેલ્લા એક વર્ષમાં શોપ લિફ્ટિંગના કારણે થયેલી ખોટ રેકોર્ડ સ્તરે પહોંચી છે.

બિઝનેસ અગ્રણીઓ શોપ વર્કરો પર કરાતા હુમલાઓને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગંભીર અપરાધ જાહેર કરવાની માગ કરી રહ્યાં છે. સ્કોટલેન્ડમાં આ પ્રકારનો કાયદો છે. બીઆરસીના જણાવ્યા અનુસાર રિટેલ સ્ટાફ સાથે વંશીય દુર્વ્યવહાર કરાય છે, તેમની સાથે શારીરિક છેડછાડ કરાય છે, ઘણી ઘટનાઓમાં હુમલા અને હથિયારો બતાવીને ધમકી પણ અપાય છે. છેલ્લા એક વર્ષમાં 8800 ઘટનાઓમાં શોપ વર્કરોને ઇજા પહોંચી હતી.

બીઆરસીના ચીફ એક્ઝિક્યુટિવ હેલેન ડિકિન્સને જણાવ્યું હતું કે, રિટેલર્સ અપરાધ અટકાવવા માટે મોટી રકમનું રોકાણ કરી રહ્યાં હોવા છતાં રિટેલ વર્કરો વિરુદ્ધની હિંસામાં વધારો થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter