લંડનઃ સરકારની સ્વતંત્ર ટેરરિઝમ વોચડોગે બ્રિટનમાં ઓસ્ટ્રેલિયાની જેમ સગીરોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે. સગીરોને ઇન્ટરનેટ દ્વારા કટ્ટરવાદી બનતા અટકાવવા માટે જોનાથાન હોલ કેસીએ ચેતવણી ઉચ્ચારી છે કે ઇટરનેટ ભયાનક હિંસક કૃત્યોનું જન્મદાતા છે.
હોલે જણાવ્યું હતું કે, કટ્ટરવાદી ચેટબોટ્સ જેવા એઆઇ સાથેની વાતચીતના કારણે સગીરો હિંસક મનોવૃત્તિના બની શકે છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં ઘડાયેલા કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. ગયા મહિનાથી ઓસ્ટ્રેલિયામાં અમલી બનેલા આ કાયદાની મદદથી 16 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતાં અટકાવી શકાશે.
હોલે જણાવ્યું હતું કે, આ પ્રતિબંધ આંશિક હોઇ શકે છે પરંતુ કાયદામાં સુધારો તો કરાયો છે. આ સુધારો વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો કે પબમાં ધુમ્રપાન પર પ્રતિબંધ જેવો છે. ઓનલાઇન નેટવર્કો બાળકોને હિંસા આચરવા માટે પ્રોત્સાહિત કરે છે.


