બ્રિટનમાં સતત 3 દિવસ એક્સ્ટ્રીમ હીટ વોર્નિંગ જાહેર કરવી પડી, સૌથી ગરમ રાતનો નવો રેકોર્ડ

બ્રિટનમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, 1957 બાદ જૂન મહિનામાં ઐતિહાસિક ગરમી

Tuesday 30th June 2026 11:00 EDT
 

લંડનઃ ગયા અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી યુકેમાં જૂન મહિનાના અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક તાપમાનના રેકોર્ડ તૂટ્યા હતા. 26 જૂનના શુક્રવારના રોજ સફોકના સેન્ટન ડાઉનહામમાં તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું હતું. જેણે સતત ત્રીજા દિવસે બ્રિટનમાં જૂન મહિનાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ગુરુવારે સમરસેટમાં ૩૬.૭ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આ પહેલાં જૂન મહિનાનો સૌથી વધુ ગરમીનો ઐતિહાસિક રેકોર્ડ 1957માં નોંધાયો હતો. ત્યારબાદ 1976ના ઉનાળામાં તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું હતું.  

આ હીટવેવમાં માત્ર દિવસનું જ તાપમાન ચિંતાજનક નહોતું પરંતુ બ્રિટનવાસીઓએ અસહ્ય અને ભેજવાળી ટ્રોપિકલ નાઇટ્સનો પણ સામનો કરવો પડ્યો હતો. બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે વેલ્સના કાર્ડિફમાં તાપમાન 23.5 ડિગ્રીથી નીચે ગયું ન હતું, જે જૂન મહિનામાં યુકેની સૌથી ગરમ રાતનો નવો રેકોર્ડ છે.

ગરમીના પ્રકોપને જોતા યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી અને હવામાન વિભાગે ઇંગ્લેન્ડ અને વેલ્સના મોટા ભાગના વિસ્તારોમાં રેડ એક્સ્ટ્રીમ હીટ વોર્નિંગ જાહેર કરવાની ફરજ પડી હતી. બ્રિટિશ ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે સતત ત્રણ દિવસ સુધી આવી રેડ એલર્ટ ચાલુ રહી હોય.

પ્રચંડ ગરમીના કારણે હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને શ્વાસમાં તકલીફના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થતાં હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. લંડન એમ્બ્યુલન્સ સર્વિસને એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ઇમર્જન્સીના કોલ્સ મળ્યા હતા. વોર્ડ વધુ ગરમ થઈ જવાને કારણે અને તબીબી ઉપકરણો ખોરવાઈ જવાને કારણે હોસ્પિટલોમાં કેટલીક સર્જરીઓ રદ કરવી પડી હતી.

ભીષણ ગરમીના પગલે બ્રિટનમાં 1000થી વધુ શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી અથવા તો સમયમાં ઘટાડો કરાયો હતો. રેલવે ટ્રેક અતિશય ગરમ થઈ જવાના ભયને કારણે ટ્રેન સેવાઓ ધીમી કરવામાં હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter