બ્રિટનમાં સતત વધતા સંક્રમણ દરથી ઈયુ દેશોને ભારે ચિંતા

Monday 20th April 2020 21:29 EDT
 
 

લંડનઃ ઈયુ દેશોના નેતાઓને બ્રિટનમાં વધતું કોરોના સંક્રમણ ભયજનક જણાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપના પોઝિટિવ દેખાવમાં યુકેના કેસીસમાં વધારાને ‘કાળા વાદળ’ તરીકે ગણાવ્યા છે. ઓસ્ટ્રીયાના હેલ્થ મિનિસ્ટર રુડોલ્ફ એન્સ્કોબરે જણાવ્યું છે કે યુકેનો ૭.૫ ટકાનો સંક્રમણદર યુરોપમાં ચિંતાજનક છે. યુકેમાં નવા કેસીસ અન્ય યુરોપીય દેશોની સરખામણીએ ભારે ઝડપથી વધી રહ્યા છે.

યુકેમાં કોરોના વાઈરસના નવા કેસીસ અને મોતની સંખ્યા યુરોપમાં સૌથી વધુ છે તેમ કહેતા ઓસ્ટ્રીયાના હેલ્થ મિનિસ્ટર રુડોલ્ફ એન્સ્કોબરે પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ ગ્રાફ્સ દર્શાવ્યા હતા. ગત ૧૦ દિવસમાં ચેપમાં સરેરાશ દૈનિક વધારાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રીયાનો દેખાવ સૌથી સારો અને બ્રિટનનો દેખાવ સૌથી ખરાબ રહ્યો છે. બ્રિટનમાં દૈનિક સંક્રમણદર ૭.૫ ટકા છે તેની સરખામણીએ આ દર ઓસ્ટ્રિયામાં ૧.૮ ટકા, સ્વીડનમાં ૫.૭ ટકા, ફ્રાન્સમાં ૩.૭ ટકા, સ્પેનમાં ૩.૨ ટકા, જર્મનીમાં ૩ ટકા, ઈટાલીમાં ૨.૫ ટકા અને સ્વિટ્ઝર્લેન્ડમાં ૨.૨ ટકા રહ્યો છે તેમ આંકડાઓએ દર્શાવ્યું છે.

વિશ્વની અડધી વસ્તી લોકડાઉન હેઠળ છે ત્યારે ઘણા દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો ધીમો પડી રહ્યો છે. અગાઉના હોટ સ્પોટ્સ ઈટાલી અને સ્પેનમાં પણ નવા કેસીસ ઘટી રહ્યા છે. યુરોપ માટે WHOના ડાયરેક્ટર ડો. હાન્સ ક્લૂજે જણાવ્યું છે કે તાજેતરમાં યુરોપ ખંડના સ્પેન, ઈટાલી, જર્મની અને ફ્રાન્સ સહિત કેટલાક વિસ્તારોમાં વાઈરસનો પ્રકોપ ઘટવાના આશાસ્પદ ચિહ્નો છે પરંતુ, અન્યત્ર વધવાથી સમાચાર ખરાબ છે. તેમણે બેલારુસ અને રશિયા ઉપરાંત, યુકેને સાંકળતા કહ્યું હતું કે યુરોપ હજુ કોવિડ-૧૯ના વાવાઝોડામાં ફસાયેલું છે તે માનવાના પૂરતાં કારણો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter