લંડન
બ્રિટનમાં સરકારી સહાય પર નભતા લોકોની સંખ્યા ઓલ ટાઇમ હાઇ સપાટી પર પહોંચી ગઇ છે. બ્રિટનના અડધાથી વધુ પરિવારો સરકારને ટેક્સ ચૂકવે છે તેના કરતાં વધુ સરકારી સહાય પ્રાપ્ત કરી રહ્યાં છે. ઓએનએસના આંકડા અનુસાર 54.2 ટકા એટલે કે 3 કરોડ 60 લાખ લોકો સરકારી સહાય પર જીવી રહ્યાં છે. સરકારી સહાય પર જીવતા પરિવારોની સંખ્યા 2011 બાદ સતત ઘટીને 52.5 ટકાથી 2019-20માં 47.5 ટકા પર આવી ગઇ હતી પરંતુ કોરોના મહામારી બાદ સરકારી સહાય પર જીવતા લોકોની સંખ્યા ઓલ ટાઇમ હાઇ 54.2 ટકા પર પહોંચી ગઇ છે.
કોરોના મહામારી બાદ એવા ઘણા લોકો છે જેમણે કામકાજ કરવાનું છોડી દીધું છે અને ફક્ત સરકારી સહાય પર જ નભી રહ્યાં છે. વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી મેલ સ્ટ્રાઇડ વધુ લોકો રોજગારમાં પાછા ફરે તે માટે બેનિફિટ સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ કરવાની તૈયારી કરી રહ્યાં છે. વડાપ્રધાન રિશી સુનાકે પણ તેમને લોકો કામ પર પરત કેમ ફરી રહ્યાં નથી તેની સમીક્ષા કરવા જણાવ્યું હતું.
વડાપ્રધાને ગયા સપ્તાહમાં પણ જણાવ્યું હતું કે સરકાર નિષ્ક્રિયતાને ઘટાડવા સંખ્યાબંધ પગલાં પર વિચારણા કરી રહી છે. આપણે આપણી કલ્યાણ યોજનાઓની સમીક્ષા કરવાની જરૂર છે. કામકાજી લોકોને જ લાભ મળતા રહે તે સુનિશ્ચિત કરવાના સરકાર પ્રયાસો કરી રહી છે. ઓએનએસના આંકડા પ્રમાણે દેશના કુલ આવકવેરાનો 83 ટકા હિસ્સો ફક્ત 40 ટકા નાગરિકો દ્વારા ચૂકવવામાં આવે છે. 27 મિલિયન લોકો વર્ષે સરેરાશ 23000 પાઉન્ડની સરકારી સહાય પ્રાપ્ત કરી રહ્યાં છે.


