લંડનઃ સમગ્ર બ્રિટનમાં લોકોને ત્રાસવાદી હુમલાઓથી બચાવવા શહેરો અને ગામોમાં સશસ્ત્ર પોલીસની સંખ્યામાં વધારો કરવામાં આવશે. બ્રિટનની સ્ટ્રીટસની સુરક્ષા માટે વધારાના ૨,૦૦૦ સશસ્ત્ર પોલીસ ઓફિસર તૈનાત કરાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રાસવાદી હુમલાની ઘટના સંદર્ભે રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા લંડનની બહાર ૯૦૦ જેટલા સશસ્ત્ર ઓફિસર્સને કામગીરી પર મૂકાશે. મોટા ભાગે આવી ગોઠવણી મોટા શહેરો માટે જ રખાશે, પરંતુ આ વ્યવસ્થા એવી રીતે કરાશે કે વધુ અંતરિયાળ વસાહતોને પણ સુરક્ષામાં આવરી લેવાય. બ્રિટનમાં વર્ષ ૨૦૧૪માં સશસ્ત્ર ઓફિસર્સની સંખ્યા ૫,૮૭૫ હતી.
યુકેના મુખ્ય શહેરોમાં ૧,૦૦૦થી વધુ નવા સશસ્ત્ર પોલીસ ઓફિસરને ફરજ પર મુકાશે તેવી જાહેરાત વડા પ્રધાન ડેવિડ કેમરને કરી છે ત્યારે ઓફિસર્સની સંસ્થા પોલીસ ફાયરઆર્મ્સ ઓફિસર્સ એસોસિયેશન દ્વારા એવી ચિંતા વ્યક્ત કરાઈ હતી કે શૂટિંગના કારણે ઓફિસરો સામે કાનૂની કાર્યવાહીનો પણ ભય રહે છે. આ સંબંધે કાયદો બદલવાની જરૂર છે. હોમ સેક્રેટરી થેરેસા મેએ બ્રિટનના અણુ ઊર્જા મથકોની સુરક્ષા સંભાળતા ઓફિસરોને આતંકી હુમલાના સંજોગોમાં દેશમાં ગમે તે સ્થળે ફરજ પર મુકવા માટે કાયદામાં જરૂરી ફેરફારને મંજુરી આપી છે.


