લંડન: બ્રિટન સરકાર દેશમાં વસવાટ કરવા ઈચ્છતા માઇગ્રન્ટ્સ માટેના નિયમોમાં અત્યંત આકરાં સુધારા ની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ યુકેમાં કાયમી વસવાટ કે 'સેટલ્ડ સ્ટેટસ' મેળવવા માટે હવે ૨૦ વર્ષ જેટલો લાંબો સમય રાહ જોવી પડી શકે છે. જો આ નિયમ અમલમાં આવશે તો બ્રિટન વિશ્વમાં સૌથી લાંબો વેઇટિંગ પિરિયડ ધરાવતા દેશોમાં સામેલ થઈ જશે. આ નવા નિયમોની સૌથી વધુ અસર ભારતીય મૂળના લોકો અને અન્ય વિકાસશીલ દેશોના પ્રોફેશનલ્સ પર પડવાની શક્યતા છે, જેઓ બ્રિટનમાં બહેતર ભવિષ્યની આશાએ જતા હોય છે.
હાલમાં, બ્રિટનમાં કાયદેસર રીતે રહેતા મોટાભાગના વિદેશી નાગરિકો સામાન્ય રીતે ૫ થી ૧૦ વર્ષના ગાળામાં Indefinite Leave to Remain માટે અરજી કરી શકે છે. જોકે, સરકાર હવે આ સમયમર્યાદામાં બમણો વધારો કરવાનું વિચારી રહી છે. જેથી દેશમાં વધતી જતી વસ્તી અને ઈમિગ્રેશનના આંકડાઓને નિયંત્રિત કરી શકાય.
આ ફેરફાર બાદ બ્રિટનની ઈમિગ્રેશન પોલિસી વિશ્વની સૌથી કઠોર પોલિસીઓમાંની એક બની જશે. નિષ્ણાતોનું માનવું છે કે ૨૦ વર્ષનો આ ગાળો સ્થળાંતર કરનારાઓ માટે માનસિક અને આર્થિક રીતે પડકારજનક સાબિત થઈ શકે છે, કારણ કે આટલા લાંબા સમય સુધી તેમની સ્થિતિ અનિશ્ચિત રહેશે.
બ્રિટિશ સરકાર પર લાંબા સમયથી નેટ માઈગ્રેશન ઘટાડવાનું દબાણ છે. સ્થાનિક સંસાધનો પર પડતા બોજ અને જાહેર સેવાઓની માંગને પહોંચી વળવા માટે સરકાર 'વેઈટિંગ પિરિયડ' વધારીને એવા જ લોકોને પ્રોત્સાહિત કરવા માંગે છે જેઓ લાંબા ગાળા સુધી દેશના અર્થતંત્રમાં યોગદાન આપી શકે.


