લંડન
બ્રિટનમાં 19મી સદીના જરીપુરાણા થઇ ગયેલા લગ્ન અંગેના કાયદાઓમાં ધરમૂળથી બદલાવની જરૂરીયાત હોવી ભલામણ સરકારના એક રિપોર્ટમાં કરાઇ છે. નવા રિપોર્ટમાં પ્રસ્તાવિત કાયદાઓ પ્રમાણે બ્રિટિશ યુગલો ઘર અથવા તો સમુદ્ર કિનારા જેવા કોઇપણ સુરક્ષિત સ્થળે લગ્ન કરી શકશે. કાયદા પંચે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કાયદા જરીપુરાણા થઇ ગયાં છે. કેટલાક યુગલોને તેમની અંગત ઇચ્છાઓ પૂરી કરવા માટે બે વાર લગ્ન સમારોહનુ આયોજન કરીને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. અત્યારના કાયદા પ્રમાણે યુગલે અદાલત અથવા તો ધાર્મિક સમારોહ માટે લગ્ન માટે નોધાયેલ સ્થળની પસંદગી કરવી પડે છે. સિવિલ સર્વિસિઝ અને ધાર્મિક સગઠનોમાં અલગ અલગ નિયમો હોય છે.
કાયદા પંચે જણાવ્યું છે કે લગ્ન માટેના સ્થળ કરતાં લગ્ન કરાવનાર અધિકારી પર નિયંત્રણો લાદવા જોઇએ. યુગલ તેમની ઇચ્છા પ્રમાણે ગમે તે સ્થળે લગ્ન કરી શકવા જોઇએ. કાયદામાં આ બદલાવના કારણે યુગલો નાના અને સસ્તા સ્થળો ખાતે લગ્ન કરી શકશે. લાંબાસમયથી લગ્ન માટે યુગલોની અંગત ઇચ્છા અને તેમને સસ્તા દરે ઉપલબ્ધ થતા સ્થળો ખાતે લગ્નની પરવાનગી આપવાની માગ થઇ રહી છે. તેના કારણે હાલ બેફામ બનેલી મોંઘવારીમાં યુગલો ઓછા ખર્ચે લગ્ન કરી શકશે. નવા પ્રસ્તાવ યુગલોને લગ્ન સ્થળની પસંદગી માટે વધુ સ્વતંત્રતા આપશે અને ધાર્મિક સમુદાયોની પરંપરાઓ અને રીતિરિવાજોને સંરક્ષણ પ્રાપ્ત થશે. નવા પ્રસ્તાવિત કાયદા તમામ પ્રકારના ધાર્મિક લગ્નો અને કોર્ટ મેરેજને લાગુ થશે. જેના પગલે તમામ ધર્મોના નાગરિકો સાથે એકસમાન વ્યવહાર થશે. જો સરકાર પરવાનગી આપશે તો બિનધાર્મિક લગ્ન સમારોહને પણ કાયદેસરતા પ્રાપ્ત થશે.

