બ્રિટનમાં હવે બાળકો પણ બનશે જેમ્સ બોન્ડ

Sunday 17th January 2021 06:02 EST
 
 

લંડન: બ્રિટન સરકારે જાસૂસી કાયદામાં મોટો ફેરફાર કર્યો છે. હવે અહીં બાળકો પાસે પણ જાસૂસી કરાવાઈ શકે છે. સરકારી સંસ્થાનો, સૈન્ય અને ગેમ્બલિંગ રેગ્યુલેટર પણ બાળકોનો જાસૂસ તરીકે ઉપયોગ કરી શકશે. માતા-પિતાની પણ બાળકો દ્વારા જાસૂસી કરાવી શકાશે.
નવા કાયદા મુજબ વિશેષ સ્થિતિમાં સૈન્ય અને પોલીસ ૧૮ વર્ષથી નાની વયના બાળકો પાસે જાસૂસી કરાવી શકે છે. સાથે જ અન્ય સરકારી સંસ્થાનો પણ તેમનો અંડર કવર એજન્ટ તરીકે ઉપયોગ કરી શકશે. જે સંસ્થાનો ખાસ કરીને બાળકોને જાસૂસ તરીકે હાયર કરી શકશે તેમાં પોલીસ, MI5, MI6, નેશનલ ક્રાઈમ એજન્સી, ગેમ્બલિંગ કમિશન, કાઉન્ટી અને ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, પર્યાવરણ એજન્સી તથા ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી સામેલ છે.
માતા-પિતાની જાસૂસી બાળકના માધ્યમથી કરાવવાના મામલે બે જોગવાઈ છે. ૧૬ વર્ષથી નાની વયના બાળક પાસે તેના પરિજનોની જાસૂસી નહીં કરવાય. જોકે તેનાથી મોટી વયના બાળકો પાસે ખાસ કિસ્સામાં માતા-પિતાની જાસૂસી કરાવી શકાશે. આ કાયદા સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યા છે. જોકે ૧૬ કે ૧૭ વર્ષના બાળકો પાસે તેમના માતા-પિતાની જાસૂસી કરાવતા પહેલા સાવચેતીપૂર્વક વિચારણાં કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે જ લેખિતમાં પણ જણાવવું પડશે કે જાસૂસીમાં બાળકોના ઉપયોગ પાછળ વિશેષ ઔચિત્ય શું હતું.
સરકારના આ નિર્ણયનો એક મોટા વર્ગ દ્વારા વિરોધ પણ થઈ રહ્યો છે. બ્રિટનના ચિલ્ડ્રન કમિશનર એન લોન્ગફિલ્ડે કહ્યું હતું કે જાસૂસીના કામમાં બાળકોના ઉપયોગ કરવાના નિર્ણય પર તત્કાળ પ્રતિબંધ ફરમાવવો જોઇએ. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે ક્યારેય એવું કોઈ કારણ હોઈ શકે જ્યારે બાળકો પાસે જાસૂસી કરાવવાની જરૂર પડે.
ઉલ્લેખનીય છે કે આ કોવર્ટ ઇન્ટેલિજન્સ બિલની ભૂતકાળમાં અન્ય કારણોસર અગાઉ પર ટીકા થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ગયા ઓક્ટોબરમાં સિક્યુરિટી મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરને એવી ખાતરી આપવા ફરજ પડાઇ હતી કે કોઇ પુખ્ત અંડરકવર એજન્ટને ‘લાઈસન્સ ટુ કિલ’ (ટાર્ગેટને મારી નાંખવાની મંજૂરી) આપવામાં નહીં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter