બ્રિટનમાં હવે બિયરની પણ ભારે અછતઃ બંધ થઈ રહેલી પબ્સ

Wednesday 25th August 2021 05:11 EDT
 
 

લંડનઃ યુકેમાં સપ્ટેમ્બરના અંતે ફર્લો સ્કીમ બંધ થઈ રહી છે ત્યારે વેતનના વિવાદ મુદ્દે ૧,૦૦૦ જેટલા ગાડીવાનો (draymen) ગત સપ્તાહે હડતાળ પર ઉતરી જવાથી દેશભરમાં બિયરના સપ્લાયને ભારે અસર પહોંચી છે. ડ્રાયમેન્સને ઓફર કરાયેલો ૧.૪ ટકાનો વેતનવધારો ઓછો જણાતા હડતાળ પાડી હતી. હડતાળ સમેટાઈ હોવાં છતાં, બિયરની તીવ્ર અછત કદાચ સપ્ટેમ્બરના અંત સુધી જળવાઇ રહે તેવી ચેતવણી પણ અપાઈ છે.

દેશભરમાં ડ્રાઇવરોની તંગી અને હડતાળની ધમકી વચ્ચે બિયરની સપ્લાયમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે અને બિયરની તીવ્ર અછત વચ્ચે પબ પણ બંધ થઇ રહ્યાં છે. બ્રેક્ઝિટ અને કોવિડ-૧૯ના લીધે ટ્રક ડ્રાઇવર્સ, પૂર્વ યુરોપિયન વર્કર્સની મર્યાદિત સંખ્યા તેમજ  બ્રિટિશ પબ્સમાં આશરે ૪૦ ટકા બિયરની ડિલિવરી કરતાં ડ્રાયમેન તરફથી સૂચિત હડતાળની ધમકીના પરિણામે આ કટોકટી ઊભી થઇ છે.

પબ માલિકોના જણાવ્યા મુજબ એમસ્ટેલ, ફોસ્ટર્સ અથવા હેઇનકેન બિયરના પૂરતા બેરલ્સ મળતા ના હોવાથી પબ્સ બંધ કરવાની ફરજ પડી છે. મોટી પબ ચેઈન્સ આયાતી બ્રાન્ડ્સ પર વધુ આધાર રાખતી હોવાથી તેમને વધુ ખરાબ અસર થઈ છે. ઘણી પબ્સે હેઈનકેઈન ખાતે હડતાળથી બિયરના સામાન્ય સ્ટોકને અસર થઈ હોવાની નોટિસો પણ મૂકી દીધી છે. છતાં, મનપસંદ બિયર નહિ મળવાથી ગ્રાહકો પણ બારના સ્ટાફ સાથે ખરાબ વર્તન કરે છે. બિયર ઉત્પાદક હેઈનકેઈનના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર નેટવર્ક ફરી બરાબર ક્ષમતાએ કામે લાગે તેમાં થોડો સમય લાગશે. ઘણી પબ્સના માલિકો અને બાર્સને સોશિયલ મીડિયા મારફત શોર્ટેજની ચેતવણી આપી દેવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter