લંડન
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં આવી ગયો છે. બાળલગ્નો સામે લડત ચલાવી રહેલા એક્ટિવિસ્ટોએ આ કાયદાને પોતાનો વિજય ગણાવ્યો છે. નવા કાયદા પ્રમાણે લગ્નની ઊંમર 18 વર્ષ કરાઇ છે. તેથી હવે માતાપિતાની સંમતિ હોવા છતાં 18 વર્ષથી નીચેના યુવાઓ લગ્ન કરી શકશે નહીં કે સિવિલ પાર્ટનરશિપમાં રહી શકશે નહીં. ધ મેરેજ એન્ડ સિવિલ પાર્ટનરશિપ (મિનિમમ એજ)એક્ટ 2022ને એપ્રિલ 2022માં રાજવી મંજૂરી અપાઇ હતી તેનો અર્થ એ થયો કે હવે બાળકોને લગ્ન સંબંધોમાં ધકેલી શકાશે નહીં. કાયદાનું ઉલ્લંઘન કરનારને સાત વર્ષની કેદની જોગવાઇ કરાઇ છે.
ઇરાની અને કુર્દીશ મહિલાઓના અધિકારો માટે લડત ચલાવતા સંગઠનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડાયના નામ્મીએ જણાવ્યું હતું કે, બાળઅધિકારોના મામલામાં આ એક મોટું પગલું છે. બાળલગ્નના કારણે બાળકોની જિંદગી બરબાદ ન થાય તે માટે અમે એક દાયકાથી લડત ચલાવી રહ્યાં હતાં. કાયદામાં થયેલા બદલાવની માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા હું અપીલ કરું છું.
બાળલગ્નો સામે લડત ચલાવતી ચેરિટીઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બાળલગ્નો વિકાસશીલ દેશોમાં વ્યાપક રીતે જોવા મળે છે પરંતુ યુકેમાં પણ આ દુષણ ઘણું વ્યાપેલું છે. કાયદામાં બદલાવ થયા પહેલાં યુકેમાં ગમે તે ઊંમરે ધાર્મિક લગ્નો કરાવી દેવાતાં હતાં અને આ પ્રકારના લગ્નોની કાયદેસર નોંધણી પણ કરાતી નહોતી. કેટલીકવાર તો 10 વર્ષની કન્યાઓને પરણાવી દેવામાં આવતી હતી. રેકોર્ડ ન હોવાના કારણે આ પ્રકારના કેટલાં લગ્ન થતાં હશે તે કહેવું મુશ્કેલ છે.
યુકેમાં 16-17 વર્ષના સગીરોને માતાપિતાની સંમતિથી લગ્નની પરવાનગી આપવામાં આવતી હતી. ડેપ્યુટી પીએમ ડોમિનિક રાબે જણાવ્યું હતું કે, આ કાયદો બાળકોને રક્ષણ આપશે અને આપણા સમાજમાં બળજબરીથી થતાં લગ્ન અટકાવી શકાશે.


