લંડનઃ વિરોધ પ્રદર્શનો નિયંત્રિત કરવા માટે પોલીસને વધુ સત્તાઓ આપવાની વડાપ્રધાન રિશી સુનાકે જાહેરાત કરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબર 2023નારોજ ઇઝરાયેલમાં હમાસના આતંકવાદી હુમલા બાદ યુકેમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો એન્ટીસેમિટિઝમ, હિંસક ઉગ્રતા અને આતંકવાદની વાહવાહીના ઉદાહરણો છે. સરકાર ક્રિમિનલ જસ્ટિસ બિલમાં સુધારા દાખલ કરીને પોલીસને વધુ સત્તા આપવાની તૈયારી કરી રહી છે.
નવા કાયદાકીય સુધારા અનુસાર વોર મેમોરિયલ્સ પર ચડીને દેખાવો કરનારા, માસ્ક પહેરીને પોતાની ઓળખ છૂપાવનારા દેખાવકારોને જેલની સજા અથવા તો દંડનો સામનો કરવો પડશે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોતાનો ચહેરો છૂપાવીને દેખાવો કરનારાની ધરપકડ કરવાની સત્તા પોલીસને અપાશે. રાષ્ટ્રીય સ્મારકો પર ચડીને દેખાવો કરનારાને 3 મહિનાની જેલ અને 1000 પાઉન્ડનો દંડ થઇ શકે છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર દેખાવો દરમિયાન આતશબાજી અને અન્ય જ્વલનશીલ પદાર્થો સાથેના દેખાવો પણ ગેરકાયદેસર ઠેરવાશે.
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં વિરોધ પ્રદર્શન સૌથી મહત્વની બાબત છે પરંતુ દેખાવો દરમિયાન આગ દ્વારા નુકસાન પહોંચાડવું ભયજનક છે. હોમ ઓફિસે જણાવ્યું છે કે સડકો પર અવરોધ કરવા જેવા અપરાધોમાંથી છટકી જવા માટે વિરોધ કરવાના અધિકારનું બહાનુ પણ હવે નહીં ચાલે. ક્લેવરલીએ જણાવ્યું હતું કે, તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં જોવા મળ્યું છે કે મુઠ્ઠીભર લોકો કાયદાનું પાલન કરનાર બહુમતી લોકોને નુકસાન કરી રહ્યાં છે. તેથી અમે સડકો પર આ પ્રકારના અપરાધો અટકાવવા માટે પોલીસને વધુ સત્તા આપવા જઇ રહ્યાં છીએ.


