બ્રિટનમાં ‘ક્રેશ-ફોર-કેશ’ ઇન્શ્યુરન્સ ફ્રોડ: કુલદીપ સિંહે ગુનો કબૂલ્યો

પૂર્વ પોલીસ અધિકારી કુલદીપે વીમા કંપની પાસેથી વળતર વસૂલવા ખોટા અકસ્માતો બતાવ્યા હતા

Tuesday 14th April 2026 10:49 EDT
 
 

લંડન: બ્રિટનમાં વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરવાના આશયથી રચાયેલા ‘ક્રેશ-ફોર-કેશ’ કૌભાંડમાં ભારતીય મૂળના એક પૂર્વ પોલીસ અધિકારીની સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસના ભૂતપૂર્વ અધિકારી કુલદીપ સિંહે કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમણે અન્ય સાથીદારો સાથે મળીને અકસ્માતોનું તરકટ રચી ઇન્શ્યુરન્સ ફ્રોડ આચર્યું હતું.

તપાસમાં બહાર આવ્યું છે કે 52 વર્ષીય કુલદીપ સિંહે પોતાના સાથીદારો સાથે મળીને વાહનોના ખોટા અકસ્માતો બતાવ્યા હતા અથવા તો જાણીજોઈને અકસ્માતો સર્જ્યા હતા. આ તરકટનો મુખ્ય હેતુ વીમા કંપનીઓ પાસેથી હજારો પાઉન્ડનું વળતર મેળવવાનો હતો. પોલીસની છબી ખરડાવનારા આ કૃત્યમાં પૂર્વ અધિકારીની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન કુલદીપ સિંહે છેતરપિંડી અને કાવતરું રચવા સહિતના આરોપોમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

એક સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળનાર અધિકારી જ જ્યારે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થાય છે, ત્યારે તે સમગ્ર પોલીસ દળ માટે શરમજનક બની જાય છે. મેટ્રોપોલિટન પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર કે છેતરપિંડી કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં, પછી ભલે તે ભૂતપૂર્વ અધિકારી કેમ ન હોય. કુલદીપ સિંહને આ કેસમાં આગામી સમયમાં સખત જેલની સજા થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter