લંડનઃ 7 જુલાઇ 2005ના રોજ લંડનની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પવા સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે હુમલામાં માર્યા ગયેલા તમામ 52 મતૃકોના નામનું ઉચ્ચારણ કરાયું હતું અને મેયર સાદિક ખાને બાઇબલનું પઠન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન કેર સ્ટાર્મર, પૂર્વ વડાપ્રધાન થેરેસા મે, ટોરી નેતા કેમી બેડનોક અને ડચેસ ઓફ એડિનબરો પણ હાજર રહ્યાં હતાં. હાલમાં ચાલી રહેલી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ટુર્નામેન્ટ ખાતે પણ એક મિનિટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. પ્રિન્સ વિલિયમે હાઇડ પાર્ક ખાતે પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી
7 જુલાઇની 20મી વરસી પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપતાં કિંગ ચાર્લ્સે બ્રિટનવાસીઓને વિભાજિત કરનારા તત્વો સામે એકજૂથ થવા આહવાન કર્યું હતું. તેમણે આ હુમલાને બુદ્ધિવિહિન શેતાની કૃત્ય ગણાવ્યું હતું. કિંગ ચાર્લ્સે એકતાનું આહવાન કરતાં જણાવ્યું હતું કે, આ હુમલાએ સમાજ નિર્માણના મહત્વને સમજાવી દીધું હતું જેમાં તમામ ધર્મ અને સમુદાયના લોકો પરસ્પર સમજણ અને સન્માન સાથે હળી મળીને જીવતા હોય.


