લંડનઃ ભારતને આઝાદ થયાને 78 વર્ષમાં પહેલીવાર બ્રિટન તેના દ્વારા ભારતને અપાતી સહાયમાંથી નફો રળવામાં સફળ થયો છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતને અપાતી વિકાસ સહાયમાંથી પહેલીવાર બ્રિટનને નફો થયો છે. બ્રિટન દ્વારા ભારતને અપાતી સહાયની ઘણી ટીકા કરાતી હતી. હવે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટન ભારતમાં પર્યાવરણલક્ષી ઘણા પ્રોજેક્ટમાં સહાય આપી રહ્યો છે અને તેમાંથી નફો મળી રહ્યો છે.
1947માં ભારતમાંથી બ્રિટિશ રાજનો અંત આવ્યો ત્યારબાદ પહેલીવાર 2024-25માં બ્રિટન દ્વારા ભારતમાં કરાયેલા મૂડીરોકાણોમાંથી 13 મિલિયન પાઉન્ડનો નફો થયો છે. કારણ કે આ સહાય અને મૂડીરોકાણે બ્રિટન માટે નવા બજારો અને નોકરીઓનું સર્જન કર્યું છે. તેની સાથે આ સહાય ક્લાઇમેટ ચેન્જ અટકાવવામાં પણ મદદ કરી રહી છે. 2024-25માં બ્રિટને ભારતને 37 મિલિયન પાઉન્ડની સહાય કરી હતી.
આ પહેલાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર જાહેરાત કરી ચૂક્યાં છે કે 2027થી વિદેશોને અપાતી સહાય રાષ્ટ્રીય આવકના 0.3 ટકા સુધી ઘટાડી દેવાશે. હાલ બ્રિટન 0.7 ટકા રકમ વિદેશી સહાય પેટે આપે છે. ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી ઇચ્છે છે કે બ્રિટન દ્વારા અપાતી વિદેશી સહાયમાંથી નફો રળવાનો આધુનિક અભિગમ અપનાવવો જોઇએ.