લંડનઃ બ્રિટિશ નાગરિકોએ ૪૩ વર્ષ યુરોપિયન યુનિયન સાથે રહ્યા પછી તેમાંથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય સાથે સમગ્ર વિશ્વમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ૨૩ જૂનના રેફરન્ડમમાં છેલ્લે છેલ્લે રિમેઇન કેમ્પને વિજયની શક્યતા હોવાના પોલ્સ જાહેર થયા પછી પણ ૫૧.૮૯ ટકા મતદાન સાથે નાગરિકોએ બ્રેક્ઝિટ માટે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન ડેવિડ કેમરન, લેબર પાર્ટીના જેરેમી કોર્બીન સહિતના ચુસ્ત સમર્થક ધરાવતાં રિમેઇન કેમ્પને ૪૮.૧૧ ટકા મત મળ્યા છે. ઈયુમાં રહેવું કે નહીં તેના રેફરન્ડમ માટે કુલ ૪૬,૪૯૯,૫૩૭ મતદારોમાંથી ૭૨.૧૬ ટકા મતદાન થયું હતું. જેમાંથી બ્રેક્ઝિટની તરફેણમાં ૧૭,૪૧૦,૭૪૨ મતદારો તથા રિમેઈનની તરફેણમાં ૧૬,૧૪૧,૨૪૧ મતદારો રહ્યાં હતાં. બ્રેક્ઝિટના નિર્ણયથી વિશ્વભરમાં પાઉન્ડની કિંમત ૩૧ વર્ષમાં સૌપ્રથમ વખત તળિયે પહોંચી હતી. ડેવિડ કેમરને દેશના આ નિર્ણયને માન આપી વડા પ્રધાનપદેથી રાજીનામાંની જાહેરાત કરી દીધી છે. તેમણે નિવેદનમાં કહ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની વરણી થાય ત્યાં સુધીમાં તેઓ પદ છોડી દેશે. નોંધપાત્ર બાબત એ છે કે, લેબર પાર્ટીના ગઢ સમાન વિસ્તારોમાં પણ લીવ કેમ્પે વિજયનો ડંકો વગાડ્યો હતો. જોકે, સ્કોટલેન્ડમાં રિમેઈન કેમ્પને ૬૨ ટકા અને લીવ કેમ્પને ૩૮ ટકા મત મળ્યા હતા. આના પરિણામે સ્કોટલેન્ડમાં આઝાદીનો બીજો રેફરન્ડમ યોજાય તેવી પણ માગણી વધી ગઈ છે.
વિસ્તારોની દ્રષ્ટિએ જોઈએ તો ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૫૩ ટકા જ્યારે વિરુદ્ધમાં ૪૭ ટકા, સ્કોટલેન્ડમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૩૮ અને વિરુદ્ધમાં ૬૨ ટકા તેમજ નોર્ધન આયર્લેન્ડમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૪૪ અને વિરુદ્ધમાં ૫૬ ટકાએ પોતાનો મત દર્શાવ્યો હતો. આ પરિણામોને જોતાં UKIPના નેતા નાઈજેલ ફરાજે ‘વિક્ટરી ફોર રિઅલ પીપલ’ જણાવી ૨૩મી જૂને દેશના ઈન્ડિપેન્ડન્સ ડે તરીકે જાહેર કરી રજાની પણ માગણી કરી હતી.
બ્રેક્ઝિટના પરિણામથી પાઉન્ડની કિંમત યુએસ ડોલર્સ સામે ૩૧ વર્ષમાં એટલે કે ૧૧ ટકાથી વધુ ઘટાડા સાથે સૌથી નીચે તળિયે પહોંચી ૧.૩૫ ડોલરથી નીચે ગઈ હતી. વિશ્વના નાણાકીય બજારોમાં સ્ટર્લિંગ પાઉન્ડ અસ્થિર બની ગયો હતો જ્યારે જાપાનમાં નિકી ઇન્ડેક્ષમાં ૧૦૦૦ પોઈન્ટનો મોટો ઘટાડો થતાં ૨૦ મિનિટ માટે ટ્રેડિંગ બંધ કરી દેવાયું હતું. નોંધપાત્ર બાબત એ હતી કે મતદાન પહેલાં જ જાણે બ્રેક્ઝિટના વિજયની ગંધ આવી હોય તેમ લોકોએ યુરો અને ડોલર મેળવવા માટે એક્ષચેન્જીસ પર કતારો કલાવી હતી. યુકેની બેંકોના શેરોમાં સૌથી ખરાબ અસર પડી હતી અને RBSના શેર ૩૪ ટકા, લોઈડ્સના ૨૮ ટકા અને બાર્કલેઝના શેરની કિંમતમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
દેશ ત્રાસવાદ સામે નિર્બળ બનશે
બ્રિટનના નાગરીકોએ ગુરૂવારે યુરોપીયન યુનિયનમાંથી બહાર નીકળી જવાના મત પર મહોર મારવાનો જે નિર્ણય લીધો છે તે દેશના હિત માટે ખૂબ જ ગંભીર બની રહેશે. આ નિર્ણયને પગલે બ્રિટને ભવિષ્યમાં ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. બ્રેક્ઝીટની તરફેણમાં મત આપનારા કેટલાક લોકો આ તબક્કે બ્રિટન માટે વિપુલ તકો હોવાનું માની રહ્યા છે, પરંતુ તેના થકી આવનારા કહેવાતા વિકાસ માટે આપણે કેટલાય સમાધાન અને વાટાઘાટો કરવી પડશે તે હકિકત છે.
બ્રેક્ઝીટ કેમ્પેઇન દરમિયાન બ્રેક્ઝીટના સમર્થકો દ્વારા ઇમીગ્રેશનના મુદ્દાને ખૂબ જ ચગાવવામાં આવ્યો હતો અને જનતા સમક્ષ બીહામણા સ્વરૂપમાં મૂકવામાં આવ્યો હતો. આ બાબત ખૂબજ ચિંતાનું કારણ બન્યું છે. ઇમીગ્રેશનની મોટા પાયા પર થયેલી ચર્ચા વિચારણાને પગલે અસહિષ્ણુતાનો એક નવો જ ભય ભવિષ્યમાં ઉદ્ભવશે. આ રેફરેન્ડમ દરમિયાન જે ચર્ચાઅો અને પ્રશ્નો છેડાયા છે તે જોતાં સમાજના લોકોમાં અસહિષ્ણુતાનો મુદ્દો વધુ અસર કરશે.
આ રેફરેન્ડમ દરમિયાન મનાય છે કે હિન્દુ સમાજના સુખી અને ચુનંદા કહી શકાય તેવા લોકોએ ઇયુમાં રહેવા માટે મત આપ્યો હતો. પરંતુ હિન્દુ સમાજના જ કેટલાક લોકો જેઅો ઇસ્લામિક ઉગ્રતાના કહેવાતા ભયથી ચિંતીત છે તેમણે ઇયુ છોડવા મત આપ્યા હતા.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી તેમજ એશિયન બિઝનેસ પબ્લીકેશન ગૃપ લી.ના ચેરમેન શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'એશિયન બિઝનેસ પબ્લિકેશન લી. માને છે કે વ્યાજના દર વધતા દેશના બિઝનેસને અસર કરશે. આજ રીતે કરન્સી એક્સચેન્જને પણ અસર થશે અને બજાર મંદ પડશે. એક મીડીયા સંગઠન તરીકે અમે બ્રેક્ઝીટ બાબતે નિરંતર તટસ્થ, ચોક્કસ અને વાસ્તવિક અહેવાલો રજૂ કરીશું. એબીપીએલ એક સાચા રાહ પર ચાલી રહ્યું છે, પરંતુ દેશને ઇયુમાંથી અલગ પાડવા માટે જે ચુકાદો આવ્યો છે તેથી હું ચિંતીત છું. દેશ આ ચુકાદાને પગલે ત્રાસવાદ સામે નિર્બળ બનશે.'
યુનાઈટેડ કિંગ્ડમ કે ડિસયુનાઈટેડ કિંગ્ડમ?
• લંડનના ૩૩માંથી ૨૮ વિસ્તારોએ રીમેઈન કેમ્પની તરફેણ કરી છે
• સ્કોટલેન્ડના તમામ ૩૨ વિસ્તારોએ રીમેઈન કેમ્પની તરફેણમાં ૬૨ ટકા મત આપ્યા છે.
• લેબર પાર્ટીના ગઢ મનાતા વેલ્સના ૨૨માંથી ૧૭ વિસ્તારોએ બ્રેક્ઝિટની તરફેણ કરી મોટો આંચકો આપ્યો છે. બ્રેક્ઝિટ માટે સમગ્રપણે વિજય ૫૨.૫ ટકાનો રહ્યો છે.
• નોર્ધર્ન આયર્લેન્ડના પાંચ લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું અને રીમેઈન કેમ્પને ૫૬ ટકા મત આપ્યા છે.
• બર્મિંગહામમાં લીવ કેમ્પે ૫૦.૫ ટકા મત મેળવી આશ્ચર્યજનક વિજય હાંસલ કર્યો છે.
• લીવ કેમ્પે લેબર પાર્ટીના ગઢ મનાતા સુંડરલેન્ડ, બર્મિંગહામ, શેફિલ્ડ, સ્વાનસી, ડાર્લિંગ્ટન, રોધરહામ, કોવેન્ટ્રી અને સ્ટોકટોન સહિતના વિસ્તારોમાં પણ વિજય મેળવ્યો છે.
• રીમેઈન કેમ્પે લિવરપૂલ, લીડ્ઝ, ગ્લાસગો અને એડિનબરા જેવા મોટા શહેરોમાં વિજય મેળવ્યો છે, પરંતુ મતદાનનું પ્રમાણ ઓછું રહેવાથી લીવ કેમ્પને ફાયદો થયો નથી.


