લંડન: પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનાએ જર્મની સામેની લડાઈમાં પશ્ચિમી મોર્ચે ૧૦થી૧૨ વર્ષના ભારતીય બાળકોને પણ સેનામાં ભરતી કર્યા હતા. આ યુદ્ધમાં ભારતીય સૈનિકોની ભૂમિકા વિશે ભારતીય મૂળની લેખિકા અને ઈતિહાસકાર શરબાની બસુએ લખેલાં પુસ્તક ‘For King and Another Country: Indian Soldiers on the Western Front 1914-18’માં આ ઘટસ્ફોટ કરાયો છે. આ માટે લેખિકાએ નેશનલ આર્કાઈવ્ઝ અને બ્રિટિશ લાઈબ્રેરીમાં રહેલાં સત્તાવાર દસ્તાવેજોનો આધાર લીધો છે. બ્રિટિશ સામાજ્યના ખુણાઓમાંથી લઈ જવાયેલાં બાળકોની યુદ્ધમાં ભૂમિકા સહાયકની હોવા છતાં તેમને મુખ્ય મોરચાની ખુબ જ નજીક રખાતા હોવાથી ઘણાંને ઈજા થવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં.
પુસ્તક અનુસાર પ્રથમ વિશ્વ યુદ્ધમાં સીધી લડાઈમાં ૧૬ વર્ષના કિશોર પિમનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પિમના યુદ્ધકૌશલ્યને કારણે સૈનિકો તેને 'બ્રેવ લિટલ ગોરખા' તરીકે સંબોધતા હતા. યુદ્ધમાં ઘાયલ પિમને સારવાર અર્થે બ્રાઈટનની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ક્વીન મેરીએ શૌર્યના એવોર્ડથી તેનું સન્માન કર્યું હતું. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય બાળકોને જહાજ મારફતે ફ્રાંસ લઈ જવાયા હતા જ્યાં તેને જર્મની સામે ચાલતા યુદ્ધમાં મદદ માટે રાખવામાં આવ્યા હતા. પુસ્તક પ્રમાણે ૧૦ વર્ષના એક ભારતીય બાળકનું કાર્ય ધમણ ફુંકવાનું હતું, જ્યારે ૧૨ વર્ષના બે બાળકને ઘોડાંની સંભાળ માટે રાખવામાં આવ્યા હતા.
પુસ્તકની લેખિકાનું કહેવું છે કે યુદ્ધમાં મોટા ભાગે ગરીબ પરિવારના બાળકો હતા. બાળકોને સેનામાં કામના બદલામાં માસિક ૧૧ રૂપિયા પણ અપાતા હતા. આ પગારથી મોટા ભાગના બાળકો ખુશ હતા અને પગાર માટે સેનામાં ભરતી થવા માટે ઉત્સાહિત પણ હતા. લેખિકા માને છે કે પગાર મેળવવા બાળકોએ પોતાની ઉંમર ખોટી નોંધાવી હોય તે પણ શક્ય છે. કેટલાંક બ્રિટિશ અધિકારીઓ પણ બાળકોને યુદ્ધમાં મોકલવા બાબતે ક્ષોભ અનુભવતા હતા. ઈજાગ્રસ્ત ભારતીય સૈનિકોનું ધ્યાન રાખતા એક સિવિલ સર્વન્ટ સર વોલ્ટર્સ લોરેન્સે તત્કાલીન સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વોર લોર્ડ કિચનેરને પત્રમાં લખ્યું હતું કે, ‘બાળકોને યુરોપ આવવાની પરવાનગી અપાઈ તે ખરેખર દુઃખની વાત છે.’ પુસ્તકમાં જણાવાયું છે કે વોર હોસ્પિટલોમાં નર્સોને ભારતીય સૈનિકોનો ઈલાજ કરવાની મનાઈ હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં આશરે ૧૫ લાખ ભારતીય સૈનિકોએ બ્રિટન તરફથી લડાઈમાં ભાગ લીધો હતો. આ મહાન યુદ્ધમાં બ્રિટનનો સૌથી નાની વયનો સૈનિક પ્રાઈવેટ સિડની લુઈ હોવાનું કહેવાય છે, જે ૧૯૧૫માં માત્ર ૧૨ વર્ષની વયે ઈસ્ટ સરે રેજિમેન્ટમાં જોડાયો હતો અને ૧૩ વર્ષની વયે સોમ ખાતે યુદ્ધમાં લડતો હતો.