લંડનઃ બ્રિટને ભારતનો આંતરરાષ્ટ્રીય દમનકારી 12 દેશની યાદીમાં સમાવેશ કર્યો છે. બ્રિટનની સંસદીય સમિતિએ ચેતવણી આપી છે કે વિદેશી સરકારો બ્રિટનમાં વ્યક્તિ અને સમુદાયોને ચૂપ કરાવવા ધમકાવી રહી છે. બ્રિટનની માનવ અધિકાર સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય દમન રિપોર્ટમાં 12 દેશોમાં ભારતનો સમાવેશ કરાયો છે.
આ સમિતિમાં બ્રિટનના વિવિધ પક્ષના સાંસદોનો સમાવેશ થાય છે અને તેઓ બ્રિટનમાં માનવ અધિકાર મામલાઓની સમીક્ષા કરે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સમિતિ પાસે એવા વિશ્વસનીય પુરાવા છે કે કેટલાક દેશ બ્રિટનની ધરતી પર દમનકારી કૃત્યો કરે છે જેને કારણે કેટલાક લોકો પર ગંભીર પ્રભાવ પડે છે અને તેમનામાં ભયની લાગણી પ્રવર્તે છે. રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે ભારત સામે સાક્ષી તરીકે શીખ ફોર જસ્ટિસ નામનું ખાલિસ્તાની સંગઠન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે.
આ યાદીમાં ભારત ઉપરાંત બહેરિન, ચીન, ઇજિપ્ત, ઇરિટ્રિયા, ઇરાન, પાકિસ્તાન, રશિયા,રવાન્ડા, સાઉદી અરબ, તૂર્કી અને યુએઇનો સમાવેશ કરાયો છે.
બ્રિટિશ રિપોર્ટ ભારત વિરોધી તત્વોના આરોપો પર આધારિતઃ ભારત
આંતરરાષ્ટ્રીય દમનકારી દેશોની યાદીમાં રશિયા અને ચીન સાથે ભારતનો સમાવેશ કરવા માટે ભારતના વિદેશ મંત્રાલયે યુકે પાર્લામેન્ટરી સિલેક્ટ કમિટીના રિપોર્ટની આકરી ટીકા કરી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ રિપોર્ટ પાયાવિહોણો છે. આ રિપોર્ટમાં કરાયેલા દાવા ભારત વિરોધી તત્વોના આરોપો પર આધારિત છે. આ પ્રકારના સૂત્રો પર આધાર રાખીને તૈયાર કરાયેલો રિપોર્ટ વિશ્વસનિયતા પર ખરો ઉતરી શકે નહીં.