લંડનઃ બ્રિટિશ સંસ્થાનવાદ દરમિયાન ભારતમાં અંગ્રેજો દ્વારા 64 ટ્રિલિયન ડોલર કરતાં વધુની લૂટ ચલાવવામાં આવી હોવાના ઓક્સફામના રિપોર્ટ અનુસાર બ્રિટને ભારતને વળતર પેટે 52 ટ્રિલિયન પાઉન્ડ આપવાના નીકળે. એક ઇતિહાસકારે સૂચન કર્યું છે કે બ્રિટને તેની પૂર્વ કોલોનીઓને વળતર પેટે ચૂકવવા પેટેની તગડી રકમને બદલે ત્યાંથી લૂટેલી મૂલ્યવાન અને કિંમતી વસ્તુઓ પરત કરી દેવી જોઇએ.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વળતર અને પર્યાવરણને કરેલા નુકસાન પેટે પશ્ચિમના દેશોએ તેમની પૂર્વ કોલોનીઓને વાર્ષિક 4 ટ્રિલિયન પાઉન્ડ ચૂકવવાનું વચન આપ્યું હતું.
બ્રિટિશરો દ્વારા ભારતમાં ચલાવાયેલી લૂટનો આંકડો ઓક્સફામ દ્વારા ગણતરી કરાયો નથી પરંતુ દિલ્હી સ્થિત ભારતીય અર્થશાસ્ત્રીઓ ઉત્સા પટનાઇક અને પ્રભાત પટનાઇકે કરેલી ગણતરીનો આધાર લીધો હતો.
જોકે ભારતીય લેખિકા અ ઇતિહાસકાર રાણા સાફવીએ આટલી મોટી રકમની વળતર પેટે ચૂકવણી પર સવાલો ઉઠાવતાં તેના આર્થિક પ્રત્યાઘાતોની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઇતિહાસમાં કરાયેલી ભૂલો ઘણી જટિલ છે. વળતરની માગ અને પ્રક્રિયા એક પેન્ડોરા બોક્સ ખુલવાનું જોખમ લાવશે.
સાફવીએ જણાવ્યું હતું કે, પશ્ચિમના દેશોએ વળતર ચૂકવવાને બદલે ભારતમાંથી હાંસલ કરેલા હીરા ઝવેરાત, હસ્તપ્રતો અને ચિત્રો પરત કરી દેવા જોઇએ. ફક્ત ભારત જ નહીં પરંતુ દરેક પૂર્વ કોલોનીને મૂલ્યવાન અને ઐતિહાસિક વારસો પરત કરી દેવો જોઇએ. પશ્ચિમના દેશોના મ્યુઝિયમોમાં આફ્રિકા અને એશિયામાંથી લઇ જવાયેલી મૂલ્યવાન વસ્તુઓનો ભંડાર છે.
તેમણે જણાવ્યું હતું કે, વળતર ચૂકવવાની વાતો મૂર્ખતાસમાન છે પરંતુ મૂલ્યવાન ઐતિહાસિક વારસો પરત કરવાની વાત જરૂરી અને વ્યવહારૂ પણ છે.


