લંડનઃવૈશ્વિક અર્થતંત્રના મંચ પર ભારત માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના 2026 માટેના તાજેતરના અંદાજો મુજબ ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્રનું સ્થાન ગુમાવીને હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે જ્યારે યુકે ફરી પાંચમા સ્થાન પર આવી ગયો છે. ..
આઇએમએફના એપ્રિલ મહિનાના ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક મુજબ બ્રિટનનો જીડીપી 4.26 ટ્રિલિયન ડોલર જ્યારે ભારતનો જીડીપી વર્ષ 2026-27ના અંતે 4.15 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23માં ભારત બ્રિટનને પાછળ છોડીને વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યો હતો અને 2025-26 સુધીમાં ચોથા સ્થાને પહોંચવાની આશા સેવાતી હતી.
નિષ્ણાતોના મતે ભારતના રેન્કિંગમાં આ ઘટાડા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે. તાજેતરમાં જીડીપીના ગણતરી માટેના બેઝ યરમાં સુધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં જાહેર થયેલા નવા અંદાજો મુજબ જૂની શ્રેણીમાં જે નોમિનલ જીડીપી રૂ.357 લાખ કરોડ હતો તે નવી શ્રેણીમાં ઘટીને રૂ. 345.5 લાખ કરોડ થયો છે.
નાણાકીય વર્ષ 2026 દરમિયાન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 11% જેટલો જંગી ઘટાડો થયો છે. સરેરાશ 87 રૂપિયાના વિનિમય દરને કારણે ડોલરના ટર્મમાં ભારતનો જીડીપી 4 ટ્રિલિયન ડોલરથી નીચે ગયો છે.


