લંડનઃ ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પહલગામ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવતા જણાવ્યું હતું કે, બ્રિટને મુશ્કેલ સમયમાં હંમેશા ભારતની પડખે રહેવું જોઇએ. સંસદમાં બોલતાં પટેલે 2002ના ઘોષણાપત્રથી 2030 સુધીના રોડમેપ દ્વારા મજબૂત બનેલા ભારત અને યુકે વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ભારત અને યુકેમાં વસતા ભારતીય સમુદાય માટે વીતેલું સપ્તાહ અત્યંત મુશ્કેલ રહ્યું હતું. આ એક આતંકવાદી કૃત્ય હતું. તેમાં નાગરિકો, મુલાકાતીઓ અને લઘુમતી સમુદાયો પર હુમલાની લાંબાગાળાથી ચાલી આવેલી પેટર્ન દેખાઇ રહી છે.
પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારના સમયમાં યુકેએ હંમેશા તેના મિત્રોની પડખે રહેવું જોઇએ. આપણે ભારત સાથે ઘણા વર્ષોથી સુરક્ષા અને આતંકવાદ વિરોધી ભાગીદારીઓ ધરાવીએ છીએ. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે હતા ત્યારે જ આ હુમલો થયો છે. શું તેમાં કોઇ પેટર્ન જણાતી નથી. શું યુકે ભારતને આ આતંકવાદી હુમલા બાદ કોઇ વ્યૂહાત્મક સપોર્ટ આપ્યો છે. સરકારે ભારતને ચોક્કસ પગલાં લેવામાં કોઇ મદદ કરી છે ખરી.