બ્રિટને વોલન્ટરી સ્કીમ અંતર્ગત પ્રથમ માઇગ્રન્ટને રવાન્ડા મોકલી આપ્યો

સરકાર આ સ્કીમ અંતર્ગત સ્વેચ્છાએ રવાન્ડા જનાર માઇગ્રન્ટને 3,000 પાઉન્ડની સહાય આપશે

Tuesday 07th May 2024 12:28 EDT
 

લંડનઃ બ્રિટને તેની વોલન્ટરી સ્કીમ અંતર્ગત રાજ્યાશ્રય ઇચ્છનાર પહેલા માઇગ્રન્ટને રવાન્ડા મોકલી આપ્યો છે. અખબારી અહેવાલો પ્રમાણે આ માઇગ્રન્ટનું નામ જાણવા મળ્યું નથી પરંતુ તેને ગયા સપ્તાહમાં રવાન્ડા રવાના કરાયો હતો. સરકારના જણાવ્યા અનુસાર સ્વેચ્છાએ રવાન્ડામાં રાજ્યાશ્રય માટે જનારા માઇગ્રન્ટ્સને 3000 પાઉન્ડ ચૂકવવામાં આવશે.

સરકારની આ વોલન્ટરી સ્કીમ તેના બળપુર્વકના દેશનિકાલના પ્રોગ્રામથી તદ્દન અલગ છે. સરકાર આ વોલન્ટરી સ્કીમ અંતર્ગત તાજેતરના વર્ષોમાં યુકેમાં આવેલા રાજ્યાશ્રય વાંચ્છુઓને સ્વેચ્છાએ રવાન્ડામાં રાજ્યાશ્રય લેવા માટે 3000 પાઉન્ડની મદદ કરશે. આ યોજનાની મદદથી રાજ્યાશ્રયના બેકલોગને ઓછો કરી શકાશે. સરકાર આ યોજના અંતર્ગત રાજ્યાશ્રયવાંચ્છુઓને તેમના વતનના દેશમાં જવા માટે પણ આર્થિક સહાયની ઓફર કરી રહી છે.

સરકાર આ વર્ષે 5,700 માઇગ્રન્ટને રવાન્ડા મોકલી આપશે

સરકારના એક વરિષ્ઠ મંત્રીના જણાવ્યા અનુસાર આ વર્ષે 5700 માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવામાં આવશે. રવાન્ડા મોકલી અપાતા પહેલાં તેમને ડિટેન્શન સેન્ટરમાં રખાશે. રવાન્ડા પણ આ વર્ષે 5700 માઇગ્રન્ટ્સને સ્વીકારવા સૈદ્ધાંતિક રીતે સહમત થયો છે. સરકારના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2022થી જૂન 2023 વચ્ચે યુકેમાં આવેલા માઇગ્રન્ટ્સના રાજ્યાશ્રયના દાવા સ્વીકારાશે નહીં અને તેમને રવાન્ડા મોકલી અપાશે. છેલ્લા 18 મહિનામાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને નાની હોડીઓ દ્વારા 57,000 કરતાં વધુ માઇગ્રન્ટ યુકે આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter