લંડનઃ આખરે બ્રિટિશ અર્થતંત્ર મંદીમાં સરી પડ્યું છે. 2023ના અંતિમ ત્રિમાસિકમાં જીડીપીમાં ધારણા કરતાં વધુનો ઘટાડો થયો છે. જે દર્શાવે છે કે અર્થતંત્રના વિકાસ માટેના પોતાના વચનનું પાલન કરવામાં વડાપ્રધાન સુનાક નિષ્ફળ રહ્યાં છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા પ્રમાણે 2023ના ચોથા ત્રિમાસિકમાં જીડીપીમાં 0.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. સર્વિસિઝ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને કન્સ્ટ્રક્શન એમ મુખ્ય 3 સેક્ટરમાં કામગીરીમાં ઘટાડો નોંધાયો છે. અર્થશાસ્ત્રીઓએ જીડીપીમાં 0.1 ટકાના ઘટાડાના આપેલા અંદાજ કરતાં આ ઘટાડો ઘણો મોટો છે. 2020 પછી પહેલીવાર બ્રિટિશ અર્થતંત્ર મંદીમાં સરી પડ્યું છે. આ વર્ષમાં સંસદની ચૂંટણી આવી રહી છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારને આર્થિક મોરચા પર મોટો ફટકો પડ્યો છે. જોકે 2023માં જીડીપીનો વૃદ્ધિદર 0.1 ટકા રહ્યો છે જે વર્ષ 2009 પછીનો સૌથી નીચો વૃદ્ધિદર છે.
બીજીતરફ ફુગાવાનો દર 4 ટકા પર યથાવત રહેતાં સરકારને થોડી રાહત મળી છે. એવી આશા સેવાઇ રહી છે કે ફુગાવાનો દર બે ટકાના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યો હોવાથી બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
યુકે સત્તાવાર રીતે મંદીમાં ઘેરાયો હોવાના કારણે આગામી મહિને રજૂ થનારા બજેટમાં ચાન્સેલર જેરેમી હન્ટ માટેની કરવેરામાં કાપ મૂકવાની તકોમાં મોટો ઘટાડો થયો છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ ટ્રેઝરીને જણાવી દીધું છે કે સરકાર પાસે અંદાજપત્રીય નિયમોનું પાલન કરવા માટે ફક્ત 12 બિલિયન પાઉન્ડ જ ઉપલબ્ધ છે. 2024ના પ્રારંભે સરકાર પાસે 24 બિલિયન પાઉન્ડની જ છૂટછાટ ઉપલબ્ધ હતી.
સરકાર પરના દેવા પરના વ્યાજ દરોમાં તાજેતરમાં થયેલા તીવ્ર વધારાના કારણે આગામી 3 સપ્તાહ બાદ રજૂ થનારા બજેટમાં કરવેરામાં રાહત આપવાની હન્ટ અને સુનાકની યોજનાઓને મોટો ફટકો પડ્યો છે.


