બ્રિટિશ અર્થતંત્રમાં મંદીની ચેતવણી

Tuesday 03rd May 2022 16:34 EDT
 

લંડનઃ બ્રિટનનું અર્થતંત્ર આ ઉનાળામાં મંદીમા સપડાય તેવું જોખમ હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. એનર્જી પાછળનો ખર્ચ મુખ્ય સમસ્યા રહેવા સાથે ફુગાવાના કારણે બ્રિટિશ કન્ઝ્યુમર્સની ખરીદશક્તિ મર્યાદિત બની જશે. 1950ના દાયકાના મધ્ય પછી પરિવારોની આવક પર સૌથી વધુ દબાણ સર્જાયું છે.

અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે લોકડાઉન્સ પછી ધીમો વિકાસ તેમજ યુક્રેન પર રશિયાના આક્રમણના બેવડા આંચકા પછી ઊંચે જઈ રહેલા જીવનનિર્વાહ ખર્ચના કારણે સતત બે ક્વાર્ટરના ગાળામાં GDP ઘટી શકે છે. ફેબ્રુઆરીમાં અપેક્ષા કરતાં પણ નબળી વૃદ્ધિ નોંધાવા સાથે ગયા મહિને 1992 પછી ઈન્ફ્લેશનનો દર સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો હતો. વિશ્લેષકોના કહેવા મુજબ જૂન મહિનામાં ક્વીનની પ્લેટિનમ જ્યુબિલીના સંદર્ભે વધારાની બેન્ક હોલિડેના લીધે પ્રવૃત્તિઓ ઘટી જશે કારણકે જાહેર રજાથી સામાન્યપણે સમગ્રતયા આર્થિક આઉટપૂટમાં ઘટાડો નોંધાય છે. હેલ્થ સેક્ટરમાં કોવિડ-19 સામે લોકોના વેક્સિનેશન માટે શિયાળામાં દોડધામ મચ્યા પછી પ્રવૃત્તિમાં ઘટાડો અને વધતી કોસ્ટ ઓફ લિવિંગ મધ્યે પરિવારો દ્વારા ખર્ચામાં નિયંત્રણથી પણ વિકાસ પર અસર પડવાની ધારણા છે.

Dutch bank INGના અર્થશાસ્ત્રી જેમ્સ સ્મિથના જણાવ્યા મુજબ બીજા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સંકોચાવાની શક્યતા છે. જૂનના અંત સુધીના ત્રણ મહિનામાં 0.3 ટકાનું સંકુચન અને ત્રીજા ક્વાર્ટરમાં માત્ર ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે. આ ટેક્નિકલ રીતે મંદી જ કહેવાય. કેપિટલ ઈકોનોમિક્સ કન્સલ્ટન્સીના ગ્રૂપ ચીફ ઈકોનોમિસ્ટ નીલ શીઅરિંગના કહેવા અનુસાર આ વર્ષે પરિવારોની ખર્ચવાલાયક આવકમાં આશરે 1.9 ટકાનો ઘટાડો થઈ શકે છે જે 1977માં વાસ્તવિક આવકમાં થયેલા 1.8 ટકાના ઘટાડાથી વધુ છે. 1950ના દાયકામાં આધુનિક રેકોર્ડ્સ લખાવા લાગ્યા તે પછી આ સૌથી મોટો ઘટાડો હશે. વૈશ્વિક નાણાકીય કટોકટી પછી 2011માં વાસ્તવિક આવકોમાં માત્ર 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter