લંડનઃ મેજર ટીમોથી પીકના અવકાશમાં ૨૨૦ માઈલના અંતરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચવાના મિશન સાથે બ્રિટન અવકાશી નકશામાં મૂકાયું છે. ભારતીય સમય સાંજના ૫.૩૪ કલાકે અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં જોડાયા હતા. તેઓ છ મહિના સ્પેસ સ્ટેશનમાં રહેશે. બ્રિટનના સત્તાવાર પ્રથમ અવકાશયાત્રીની સફળતાએ વિજ્ઞાનીઓ અને ઈજનેરોની નવી પેઢીને પ્રેરણા પૂરી પાડી છે. મેજર ટીમને ૧૫ ડિસેમ્બરે કઝાખસ્તાનના બૈકનુર કોસ્મોડ્રોમ ખાતે ૩૦૫ ટનના સોયુઝ સ્પેસશિપમાં અવકાશમાં ફંગોળાતા નિહાળવા બાળકો સહિત લાખો બ્રિટિશરોએ કામકાજ અને અભ્યાસને બાજુએ રાખ્યા હતા.
વડા પ્રધાન ડેવિડ કેમરને મેજર ટીમ પીકને અભિનંદન પાઠવતો વિડિયો સંદેશ પણ મોકલ્યો હતો. હાઉસ ઓફ કોમન્સમાં પણ મેજર ટીમને વધાવી લેવાયા હતા. મોટા સ્ક્રીન્સ પર રોકેટને અવકાશમાં ફંગોળાતું નિહાળવા લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે એકત્ર ૨૦૦૦ વિદ્યાર્થીઓ સાથે હજારો લોકોએ બ્રિટિશ ધ્વજ લહેરાવીને ઉત્સાહ દર્શાવ્યો હતો. સેન્ડહર્સ્ટના ગ્રેજ્યુએટ અને પૂર્વ હેલિકોપ્ટર ટેસ્ટ પાઈલોટ અને ચિસેસ્ટરના નિવાસી મેજર પીકે છ મહિનાના મિશન માટે છ વર્ષની તાલીમ મેળવી હતી. અવકાશયાત્રી બનવા માટે સમગ્ર યુરોપના ૮,૦૦૦ ઉમેદવારમાંથી તેમની પસંદગી કરાઈ હતી.
લોન્ચ પેડ તરફ જતા મેજર પીકે તેમના પુત્રો થોમસ અને ઓલિવર સામે દિલની નિશાની કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મેજર પીકના પિતા નાઈજેલે તેમના પુત્રની અવકાશમાં છલાંગને અવિસ્મરણીય ગણાવી હતી. લોન્ચિંગ પછી મેજરના પત્ની રેબેકાએ કહ્યું હતું કે, ‘આ દૃશ્ય અદ્ભૂત છે. આજે મારાં ચહેરા પર વિશાળ હાસ્ય છે.’ ઉલ્લેખનીય છે કે આ જ સ્થળેથી યુરિ ગાગારિન ૧૯૬૧માં અવકાશમાં છલાંગ લગાવનાર પ્રથમ માનવી બન્યો હતો.


